
દુનાવાડા ગામે અંગત અદાવતમાં ફાયરિંગ કરાતા ૩ ઈસમો ઘવાયા
બે દિવસ પહેલા પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના પાડલા ગામે બનેલી ફાયરિંગની ઘટનાના ભણકારા હજુ સમ્યા નથી ત્યાં શુક્રવારના રોજ પાટણ જિલ્લાના હારીજ તાલુકાના દુનાવાડા ગામે એક યુવાને કોઈ અગમ્ય કારણોસર છ રાઉન્ડ કરતા વધુ ફાયરીંગ કરતા ગામના ત્રણ ઈસમો ઘાયલ થતા ત્રણેય ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાનું તેમજ એક વ્યક્તિની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.તો બનાવ ના પગલે હારીજ પોલીસ તેમજ પાટણ એલસીબી ટીમ દુનાવાડા ગામે પહોંચી ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરી તપાસના ચક્રો ગતિમાન બનાવ્યા છે. આ બાબતે મળતી હકીકત મુજબ હારીજ તાલુકાના દુનાવાડા ગામે કોઈ અંગત અદાવત લઈને ગામના પરમાર ઈસમ દ્વારા પોતાના પાસેની રિવોલ્વર માથી છ કરતા વધુ ફાયરિંગ કરાતા ગામના સુથાર શિવાભાઈ હીરાભાઈ, પટ્ટણી સોનાજી તેમજ પટ્ટણી વિજય નામના ત્રણ ઈસમો ને શરીરના જુદા જુદા ભાગોમાં ગોળી વાગતા ગંભીર ઈજાઓ સાથે ત્રણેય ઈસમોને તાત્કાલિક સારવાર અર્થે ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે જ્યાં સુથાર શિવાભાઈ હીરાભાઈ ને છાતીના ભાગે બે ગોળી તેમજ માથાના ભાગે બે ગોળી વાગી હોવાનું જાણવા મળ્યું છે અને તેઓની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે તો પટ્ટણી સોનાજી ઉંમર વર્ષ ૫૫ ને પણ માથાના ભાગે ગોળી વાગી હોય ૧૫ જેટલા ટાંકા લેવામાં આવ્યા છે તેઓની હાલત પણ હાલમાં સ્થિર છે તો પટ્ટણી વિજય નામના ૩૦ વર્ષીય યુવાનને કાનના ભાગેથી ગોળી સરકીને જતી રહેતા તેને પણ સામાન્ય ઇજાઓ થઈ હોય ત્રણેય ઇજાગ્રસ્તો ને હાલમાં ધારપુર હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહી હોવાનું ધારપુર હોસ્પિટલ પર ફરજ બજાવતા તબિબ ડોક્ટર હિતેશ ગોસાઈ એ જણાવ્યું હતું. હારીજ તાલુકાના દુનાવાડા ગામે ફાયરિંગની ઘટના ની જાણ હારીજ પોલીસને તેમજ પાટણ એલસીબી ટીમને થતા તેઓએ તાત્કાલિક દુનાવાડા ગામે પહોંચી જઈ કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી ફાયરિંગ કરી ફરાર થયેલા પરમાર શખ્સને ઝડપી લેવાના ચક્રો ગતિમાન બનાવી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. હારીજ તાલુકાના દુનાવાડા ગામે શુક્રવારે બપોરના સુમારે બનેલી ફાયરિંગની ઘટનાના પગલે ગામમાં સનસનાટી મચી જવા પામી છે.