રાજયમાં ભારે વરસાદને લઇ શાકભાજીની આવક ઘટતા ભાવમાં 20 થી 30 ટકા જેટલો વધારો
ડીસા સહિત જિલ્લાભરની માર્કેટ યાર્ડમાં વરસાદના કારણે શાકભાજીના ભાવમાં 20 થી 30 ટકા જેટલો વધારો થયો
અત્યારે લીલી શાકભાજી ખાવી સામાન્ય લોકોને પરવડે તેમ નથી; ગુજરાત રાજ્ય પર સર્જાયેલા ડિપ્રેશન સિસ્ટમને લઈ રાજ્યના અનેક ભાગોમાં ભારે થી અતિભારે વરસાદ અને અતિવૃષ્ટિ જેવી સમસ્યા સર્જાતા લીલી શાકભાજીના ઉત્પાદનમાં મોટો ફટકો પડ્યો છે જેને લઇ ફરી એકવાર શાકભાજીના ભાવો આસમાને પહોંચી રહ્યા છે.
ચોમાસાની ઋતુ ની શરૂઆત થતાં જ શાકભાજીની આવકમાં નોંધપાત્ર ઘટાડો થતો હોય છે પરંતુ આ વર્ષે રાજ્યમાં અનેક ભાગોમાં પડેલા અનરાધાર વરસાદને લઇ શાકભાજીનુ ઉત્પાદન ઘટી જતા માર્કેટ યાર્ડમાં શાકભાજીની આવક ઓછી થતા ભાવોમાં કડાકો બોલી ગયો છે.
ગુજરાતના અનેક વિસ્તારોમાં શાકભાજી નુ મોટા પ્રમાણમાં વાવેતર થાય છે પરંતુ ડીપ ડિપ્રેશન સિસ્ટમ ને લઈ ભારે વરસાદ ખાબકતા શાકભાજીનાં વાવેતરમાં પણ અસર પહોંચી છે સાથે ઉત્પાદન પણ ઓછું થઈ રહ્યું છે જેને લઇ માર્કેટ માં માંગ પ્રમાણે શાકભાજીની આવક ન થતા ગૃહિણીઓને વધુ ભાવ ચૂકવવાનો વારો આવ્યો છે લીલી શાકભાજીના ભાવો પણ વધતા સામાન્ય અને મધ્યમ પરિવારો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે ડીસા સહિત જિલ્લાના શાકમાર્કેટયાર્ડો માં લીલી શાકભાજી મોટા પ્રમાણમાં જોવા મળતી હતી પરંતુ શાકભાજીની આવક ન થતા અત્યારે શાકભાજીની દુકાન ધરાવતા દુકાનદારો ને પણ આગળથી શાકભાજીના મોં માંગ્યા ભાવ આપવા પડતા હોય છે. જેથી છૂટક વેચાણ માં પણ સતત શાકભાજીના ભાવ વધી રહ્યા છે ત્યારે લોકોને લીલી શાકભાજી ખાવી પણ પરવડી રહી નથી.
સામાન્ય દિવસોમાં સસ્તી મળતી શાકભાજી અત્યારે મોધીદાટ થઈ ગઈ છે : સામાન્ય દિવસોમાં 50 થી 60 રુપિયે કિલોના ભાવે મળતી કોથમીરના ભાવ આજે 100 રૂપિયે કિલોએ પહોંચી ગઈ છે. તો બીજી તરફ 50 થી 60 રૂપિયે કિલોના ભાવે મળતી મેથીના ભાવ 80 થી 100 રુપિયા બોલાઈ રહ્યા છે. તો આ સાથે રોજીંદા વપરાશમાં લેવાતા બટાકા અને ડુંગળીના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.