ડીસામાં માસ્ક વિનાના વાહન ચાલકો દંડાયા
રખેવાળ ન્યુઝ ડીસા : કોરોના મહામારી દરમિયાન સમગ્ર દેશમાં લોકડાઉન અમલી બનાવવામાં આવ્યું હતું ત્યારબાદ વિવિધ શરતોને આધીન લોકડાઉનમાંથી મુક્તિ આપવામાં આવી છે. જેમાં સરકારની ગાઈડ લાઇન મુજબ માસ્ક અને સોસીયલ ડિસ્ટન્સનું પાલન કરવાની પણ સૂચના આપવામાં આવી છે તેમ છતાં મોટાભાગના વાહનચાલકો માસ્ક વિના ફરતા હોવાને પગલે શનિવારે ડીસામાં નાયબ કલેકટર એચ.એમ.પટેલની ઉપસ્થિતિમાં માસ્ક વિના ફરતા વાહન ચાલકો વિરુદ્ધ સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં શહેર પોલીસ તેમજ પાલિકા દ્વારા માસ્ક વગરના બાઇક ચાલકો, કાર.ચાલકો તેમજ ઓટો રીક્ષા ચાલકો સામે સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તેમજ તમામ પાસેથી દંડ ફટકારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલિસ અને પાલિકાની આ કાર્યવાહીના પગલે માસ્ક વિના ફરતા વાહનચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.