ડો.પ્રવિણ તોગડીયા બન્યા પાલનપુરના મહેમાન : એ.એચ.પી. મહાકુંભ મેળાના 1 કરોડ તીર્થ યાત્રીઓ માટે શરૂ કરશે સેવા કેમ્પ
યાત્રીઓને રહેવા, જમવાની અને મેડિકલ સેવા પુરી પડાશે: આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ ના અધ્યક્ષ ડો.પ્રવિણ તોગડીયા આજે પાલનપુરના મહેમાન બન્યા હતા. જેઓએ મહાકુંભના મેળા ના આયોજનને લઈને કાર્યકરો સાથે બેઠક કરી હતી.
ઉત્તરાયણથી મહાકુંભના મેળાનો પ્રારંભ થઇ રહ્યો છે. જેમાં પધારનાર એક કરોડ તીર્થ યાત્રી ઓ માટે આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગદળ, આંતરરાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વીની દ્વારા વિવિધ સુવિધા પ્રદાન કરવામાં આવશે. તીર્થ યાત્રીઓને રહેવાની, ભોજન ની અને મેડિકલ સેવા પુરી પાડવામાં આવશે. જેને લઈને લોકોનો સહયોગ મળી રહે તે માટે આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના પ્રમુખ ડો.પ્રવિણ તોગડીયા પરિભ્રમણ કરી રહ્યા છે. ત્યારે આજે તેઓ પાલનપુર આવ્યા હતા. જ્યાં તેઓ ઢૂંઢિયાવાડી, માલગોડાઉન પાછળ મીરાં આઈસ્ક્રીમવાળા કોમલભાઈ અગ્રવાલના નિવાસસ્થાને આવી પહોંચ્યા હતા. જ્યાં તેઓએ કાર્યકરો સાથે બેઠક યોજી હતી.
ગૌ માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવાનું અભિયાન લઈને નીકળેલા જગદગુરુ શંકારાચાર્ય જી જરૂર સફળ થશે તેવો આશાવાદ વ્યક્ત કરતા ડો. પ્રવીણભાઈ તોગડીયાએ ગૌ હત્યા બંધીનો કાનૂન બનવો જોઈએ તેવી લાગણી વ્યક્ત કરી હતી.
શંકરાચાર્યજી જરૂર સફળ થશે:-તોગડીયા 12 વર્ષે એકવાર પ્રયાગમાં મહા કુંભ યોજાય છે. 36 વર્ષ પૂર્વે 1989ના મહાકુંભમાં ભગવાન શ્રી રામનું મંદિર બનાવવાનો નિર્ધાર કરાયો હતો. રામ મંદિરનું મોડલ અમદાવાદથી લઈને પોતે જ ગયા હોવાનું જણાવતા ડો. પ્રવિણભાઈ તોગડીયાએ 14 જાન્યુઆરીથી પ્રારંભ થતા મહા કુંભના મેળામાં પધારનાર 1 કરોડ યાત્રિકો માટે લોકોના સહયોગથી રહેવા, જમવા, મેડિકલ સહિત ઠંડીથી રક્ષણ માટે ટેન્ટ બાંધી એક લાખ કંબલની વ્યવસ્થા કરવાની વાત કરી હતી. તેઓએ ગૌ માતા છે. જેને સન્માન મળવું જોઈએ તેવું જણાવી ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગને લઈને નીકળેલા જગદગુરુ શંકરાચાર્ય જી જરૂર સફળ થશે તેવો આશાવાદ વ્યક્ત કરતા તેઓએ ગૌ હત્યા બંધીના કાનૂનની પણ માંગ કરી હતી.