ડોડગામ ગામે ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ઉનાળાની શરૂઆતની સાથે જ કાળજાળ ગરમી વચ્ચે આગની ઘટનાઓની પણ જાણે શરૂઆત થઈ હોય તેમ આગ લાગવાના બનાવો બની રહ્યા છે, ત્યારે થરાદના ડોડગામ ગામે ખેતરની વાડમાં અચાનક આગ લાગતા થરાદ ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં આગ લાગવાની ઘટનાઓ છાસવારે બનતી હોય છે, ત્યારે હવે ઉનાળાની શરૂઆત થતાની સાથે જ ગરમીનું પ્રમાણ વધ્યું છે. આગના બનાવો પણ વધી રહ્યા છે, ત્યારે થરાદ તાલુકાના ડોડગામ ગામે દેવશીજી ગોળીયા વિસ્તારમાં રહેતા પટેલ પરખાભાઈના ખેતરની વાડમાં અગમ્ય કારણોસર અચાનક આગ લાગી હતી.જો કે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલાં થરાદ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયર ઓફિસર વિરમજી રાઠોડ સહિત જવાનો તાત્કાલિક ડોડગામ ગામે પહોંચી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. જોકે થરાદ નગરપાલિકાના ફાયરબ્રિગેડની સરાહનીએ કામગીરીના કારણે કોઈપણ પ્રકારનું નુકસાન થવા પામ્યું ન હતું અને આગ ઉપર કાબૂ લીધો હતો.