બનાસકાંઠા જિલ્લા અધિકારીઓએ દત્તક લીધેલા 101 બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ
બનાસકાંઠા જિલ્લાના અધિકારીઓએ દત્તક લીધેલા પાલનપુર શહેરની શેરીઓમાં રહેતા 101 બાળકોને સહાય વિતરણનો કાર્યક્રમ પાલનપુર ખાતે ધારાસભ્ય અનિકેત ઠાકરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં દાતાઓના સહયોગથી જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં ધારાસભ્ય અને મહાનુભાવોના હસ્તે બાળકોને સ્કૂલ બેગ, બુટ-મોજા, કંપાસ બોક્ષ સહિતની શૈક્ષણિક કીટ અપાઇ હતી.
ધારાસભ્ય અનિકેત ઠાકરે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના છેલ્લા 9 વર્ષના શાસનમાં વહીવટી તંત્રમાં આમૂલ પરિવર્તન અને બદલાવ આવ્યો છે. સરકારના સંવેદનશીલ અભિગમના કારણે બનાસકાંઠા કલેક્ટરના નેતૃત્વમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ શેરીમાં રહેતા બાળકોને દત્તક લઇ તેમના શિક્ષણની ચિંતા કરે છે. જિલ્લામાં આવા 101 બાળકોને અધિકારીઓએ દત્તક લીધા છે જેના પરિણામે આ બાળકો ભણી-ગણીને આગળ વધશે. જેનાથી આવતીકાલના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ થશે. તેમણે દાતાઓ અને જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, દાતાઓના દાન અને વહીવટી તંત્રના અધિકારીઓના સરાહનીય પ્રયાસોથી મજુરી કરીને જીવન ગુજારતા પરિવારના બાળકોનું પણ ભવિષ્ય ઉજળું બનશે.
જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીએ સરકારની યોજનાઓની માહિતી આપી તેનો લાભ લેવા તથા વાલીઓને વ્યસનોની બદીઓથી દૂર રહેવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, આપણા બાળકોને સારું શિક્ષણ મળે તે માટે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા દત્તક લેવામાં આવ્યા છે અને એમના અભ્યાસ અંગે નિયમિત ફોલોઅપ લેવામાં આવે છે. તેમણે કહ્યું કે, સરકારના સમાજ સુરક્ષા ખાતા દ્વારા ચાલતા ચિલ્ડ્રન હોમમાં કાળજી- સંભાળ અને રક્ષણની જરૂરીયાતવાળા બાળકોને રાખવામાં આવે છે. જેમાં અનાથ, નિરાધાર, એક વાલી ધરાવતા ત્યજાયેલા, મળી આવેલા, શોષણનો ભોગ બનેલા, કુટુંબ કે આશ્રય વિહોણા, અભણ માતા- પિતાના કાળજી- સંભાળ અને રક્ષણની જરૂરીયાતવાળા બાળકોને રહેઠાણ, ભોજન, આરોગ્ય અને શિક્ષણની સાથે જરૂરીયાત મુજબની તમામ સુવિધાઓ વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે.