
બનાસકાંઠામાં આકાશમાંથી આફતનો વરસાદ વરસ્યો
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં પલટો જાેવા મળી રહ્યો છે જેને લઇ ઠેર ઠેર સમગ્ર જિલ્લામાં છૂટો છવાયા વરસાદી ઝાપટા પડી રહ્યા છે ત્યારે મંગળવારના દિવસે પણ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર સહિતના અન્ય વિસ્તારોમાં પણ કમોકમી વરસાદ થતાં લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. બનાસકાંઠા જિલ્લાના ડિઝાસ્ટર વિભાગના જણાવ્યા પ્રમાણે જિલ્લા મથક પાલનપુરમાં સાંજ સુધી ૯ મીમી, અમીરગઢ ૫ મીમી, કાંકરેજમાં ૧ મીમી, ધાનેરા ૧ મીમી વરસાદ નોંધાયો હતો. ઉત્તર ભારતમાં સર્જાયેલી સિસ્ટમને લઈ હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરી હતી તે મુજબ ગુજરાતના અનેક ભાગો સહિત બનાસકાંઠા જિલ્લામાં પણ ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જાેવા મળ્યો છે. જેમાં અમીરગઢ પાલનપુર કાંકરેજ અને ધાનેરા વિસ્તારમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. જેને લઇ વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી જવા પામી હતી. અવાર નવાર કમોસમી માવઠા પડી રહ્યા હોઇ ખેતરોમાં ઉભેલા વાવેતરને નુકશાન થવાની ભીતી થી ખેડૂતો ચિંતિત થઇ ઉઠયા છે. જાેકે વરસાદી ઝાપટાઓને લઈ ખેડૂત વર્ગમાં પણ ચિંતા નો માહોલ સર્જાયો છે અને હજુ હવામાન વિભાગ દ્વારા પણ આગામી પાંચ દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની અને છૂટો છવાયો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.ધાનેરા તાલુકાના સરહદી ગામો જેવા કે વાછોલ, બાપલા વગેરે ગામોના ખેડૂતોને વાવાઝોડા અને વરસાદથીખેડૂતોના પાકને નુકસાન થવા પામ્યું હતુ. બાજરી પલળી ગઈ અને વાવાઝોડા થી પડી ગઈ.૯૦ ટકા બાજરીમાં ખેડૂતોને વાછોલ ગામે નુકશાન થયાનો અંદાજ છે.
અમીરગઢમાં વાવાઝોડા સહિત ગાજ-વીજ સાથે વરસાદ : લગ્ન ગાળામાં વિક્ષેપ
વાતાવરણ વિભાગની પાંચ દિવસની વરસાદની આગાહીનાં પગલે અમીરગઢ પંથકમાં વાવાઝોડા અને ગાજવીજ સાથે વરસાદ જાેવા મળ્યો. હાલમાં લગ્ન ગાળાની સીઝન ભરમાર ચાલી રહી છે ત્યારે એવમાજ મેઘ રાજાએ લગ્ન ગાળાની મજા બગાડી કમોસમી વરસાદથી બીમારીઓ વધવાની શક્યતા વધી. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો અને રોડ પર પાણી ફરી વળ્યા હતા.
જિલ્લાના માર્કેટયાર્ડો સહિત ખેડૂતોને સતર્ક રહેવા તાકીદ કરાઈ
બનાસકાંઠા જિલ્લામાં હજુ આગામી દિવસોમાં પણ છૂટો છવાય વરસાદ થવાની શક્યતાઓને લઈ જિલ્લામાં આવેલા માર્કેટયાર્ડઓમાં પણ વેપારીઓ ને તથા ખેડૂતોનો માલ સુરક્ષિત સ્થળે ઉતારવા આ ઉપરાંત ખેડૂતોને પણ સતર્ક રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.