ડીસાની 150 બેડથી સજ્જ સિવિલમાં અનેક સુવિધાનો અભાવ : અનેક ગરીબ અને જરૂરીયાત મંદ દર્દી- પરિવારોને હાલાકી

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસાની 150 બેડથી સજ્જ સિવિલમાં અનેક સુવિધાનો અભાવ

ફિજીશિયન -ઓર્થોપેડિક તબીબ સહિત સોનોગ્રાફી, સીટીસ્કેન અને આઈસીયુની સુવિધા નથી: બનાસકાંઠા જિલ્લાની 150 બેડ ધરાવતી ડીસા સિવિલ હોસ્પિટલમાં જરૂરી રોગના તબીબો સાથે અનેક આરોગ્યલક્ષી સુવિધાઓના અભાવ વચ્ચે દર્દીઓ હેરાન- પરેશાન થઇ રહ્યા છે.જ્યારે હોસ્પિટલમાં દાખલ ગરીબ અને જરૂરિયાતવાળા દર્દીઓ અને તેમના પરિવારો પણ અનેક મુશ્કેલીઓ વેઠી રહ્યા છે.

બનાસકાંઠાનું વેપારી મથક અને સૌથી મોટો ગ્રામ્ય વિસ્તાર ધરાવતા ડીસા તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા 150 બેડ સાથેની  સિવિલ હોસ્પીટલને સૌથી મોટી હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવી છે. જો કે આટલી વિશાળ હોસ્પિટલમાં અનેક રોગના તબીબો સાથે, તબીબી સારવાર માટે અતિ જરૂરી એવા સીટીસ્કેન,સોનોગ્રાફી, સાથે આઈસીયુનો પણ અભાવ છે.સિવિલમાં દરરોજ વિવિધ રોગના 500 થી 600 જેટલા  દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે જેમાં મોટાભાગના દર્દીઓ ગરીબ અને જરૂરિયાત વાળા હોય છે. જેઓ મોંઘીદાટ પ્રાઇવેટ હોસ્પીટલમાં ના જઈ શકતા હોવાના લીધે સરકારી હોસ્પીટલનો સહારો લેતા હોય છે પરંતુ સરકારી હોસ્પીટલમાં ઓર્થોપેડિક, એમ. ડી. ફીજિશિયન અને સર્જન તબીબ સહિત અન્ય રોગોના તબીબોની જગ્યાઓ આજે પણ ખાલી પડી છે. આ ઉપરાંત દર્દીઓ માટે અતિ જરૂરી અને મહત્વની કહી શકાય તેવા ટેસ્ટ માટે  સોનોગ્રાફી, સીટીસ્કેન અને આઈસીયુનો પણ આજ દિન સુધી અભાવ જોવા મળી રહ્યો છે. જેના લીધે અહીં આવનાર ગરીબ દર્દીને પરિક્ષણ માટે ખાનગી સોનોગ્રાફી અને સીટીસ્કેનમાં દંડાવુ પડે છે. આ બાબતે સિવિલ હોસ્પીટલના સૂત્રોએ જણાવ્યું હતું કે ખૂટતી સુવિધા બાબતે અમોએ જિલ્લા આરોગ્ય ઓફિસને લેખિતમાં રજૂઆત મોકલી છે.પણ તંત્ર આંખ આડા કાન કરતા હાલમાં તો ગરીબ અને જરૂરિયાત વાળા દર્દીઓ અને તેમના પરિવારો પારાવાર હાલાકી વેઠી રહ્યાં છે.

દર્દીઓ ખાનગી હોસ્પિટલોમાં લૂંટાવા મજબુર: સિવિલ હોસ્પીટલમાં મોડી રાત્રે 108 માં અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા દર્દીઓ સારવાર માટે લાવવામાં આવે છે પરંતુ ઓર્થોપેડિક તબીબીના અભાવે આવા સિરિયસ દર્દીઓને પણ સારવાર માટે નાછૂટકે ખાનગી હોસ્પીટલમાં જવુ પડે છે. એ જ રીતે હાલમાં 108 મારફતે અનેક હાર્ટ એટેકના દર્દીઓ પણ લાવવામાં આવે છે પરંતુ ફિજિશિયનના અભાવે આવા દર્દીઓને પણ ખાનગી હોસ્પીટલમાં જવાની ફરજ પડે છે.જેમાં કેટલાકને સમયસર સારવાર ન મળતા મોતને પણ ભેટે છે.

બે અદ્યતન એમ્બ્યુલન્સ ધૂળ ખાય છે: સરકાર દ્વારા દર્દીઓ માટે ફાળવેલ બે અદ્યતન  એમ્બ્યુલન્સ વાન ધૂળ ખાઈ રહી છે.તેના પરથી તંત્રની લાપરવાહીનો અંદાજ આવી જાય છે.એટલું જ નહીં, સિવિલમાં લોહી પરિક્ષણ માટે લેબોરેટરી વિભાગ કાર્યરત છે પરંતુ આ લેબોરેટરીમાં ફક્ત વાયરલ રોગ સહિત સામાન્ય પ્રકારના પરિક્ષણ થાય છે જ્યારે મહત્વના એવા થાઇરોઇડ, વા, કોલસ્ટ્રોલ, યુરિક એસિડ જેવા આજના જરૂરી બની ગયેલ અન્ય પરિક્ષણ માટે દર્દીઓને ખાનગી લેબોરેટરી લૂંટાવુ પડે છે.

સિવિલમાં બ્લડ બેન્ક ઉભી કરવાની પણ જરૂરીયાત : સિવિલમાં આવતા અકસ્માત તેમજ ગંભીર દર્દના દર્દીઓને ઇમરજન્સીમાં લોહી ચડાવવાની જરૂરિયાત પડે છે ત્યારે જો સિવિલ હોસ્પિટલ ખાતે બ્લડ બેન્ક ઉભી કરવામાં આવે તો અનેક સિરિયસ દર્દીઓના જીવ પણ બચાવી શકાય તેમ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.