ડીસાની ખેંટવા પ્રાથમિક શાળાના શિક્ષકની વિદાય સમયે વિદ્યાર્થીઓ રડી પડ્યા
ડીસાની ખેંટવા પ્રાથમિક શાળામાં નવ વર્ષથી ફરજ બજાવતા શિક્ષકની બદલી થતાં વિદ્યાર્થીઓ રડી પડ્યા હતા. હંમેશા બાળકોને લાગણી, હુંફ અને પ્રેમ આપી સાચા ગુરુની ભૂમિકા ભજવનાર શિક્ષકની બદલી થતાં શાળામાં વિદાય સમયે લાગણી સફર દ્રશ્યો સર્જાયા હતા. અત્યારના યુગમાં ગુરુ અને વિદ્યાર્થીઓ વચ્ચેનો પ્રેમ ઘટી રહ્યો છે, પરંતુ આજે પણ એવા શિક્ષકો છે કે જેઓ હંમેશાં વિદ્યાર્થીઓને સાચો પ્રેમ, હુંફ, લાગણી અને જીવન જીવવાની સાચી રીત અને માર્ગ બતાવે છે. આવા જ એક શિક્ષક એટલે ડીસા તાલુકાની ખેંટવા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરાવતા ડૉ. જીગરભાઈ જોશી. તેઓ 9 વર્ષથી ખેંટવા પ્રાથમિક શાળામાં પોતાની ફરજ નિભાવે છે. ત્યારે તેમની પાલનપુર ખાતે બદલી થતાં વિદાય સમયે બાળકો રડી પડ્યા હતા. ડૉ.જીગર જોશીની હવે પાલનપુરની ભાગળ પ્રાથમિક શાળામાં બદલી થઈ છે અને આજરોજ શાળામાંથી વિદાય લઈ રહ્યા છે. જોકે નવ વર્ષના સમયગાળા દરમિયાન બાળકો વચ્ચે બંધાયેલા અતૂટ લાગણીના સંબંધોએ બાળકોની આંખો ભીંજવી નાખી હતી અને તેમના વિદાય સમયે શાળામાં લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા. વિદ્યાર્થીઓ ગુરુની વિદાય સમયે પોતાની આંખમાંથી આંસુ રોકી શકતા નહોતા. જે વીડિયો પણ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.