વરસાદે વિરામ લેતાં ડીસા નગરપાલિકા એક્શન મોડમાં : ભરાયેલ પાણીનો નિકાલ જેવી વિવિધ કામગીરી હાથ ધરાઇ
રસ્તાઓની મરામત, ગટર નાળાની સાફ સફાઈ, દવાઓનો છંટકાવ, ભરાયેલ પાણીનો નિકાલ જેવી વિવિધ કામગીરી હાથ ધરાઇ
બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા વહીવટીતંત્ર સજજ બન્યું છે. જિલ્લાની તમામ નગરપાલિકાઓ અને ગ્રામ પંચાયતોને વરસાદી આફત સામે એલર્ટ અને એક્શન મોડમાં રહેવાની સૂચના આપવામાં આવેલ છે. સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી વરસાદી માહોલ છવાયેલો છે.
ડીસા શહેરમાં પણ મેઘરાજા મનમુકીને વરસતા પાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે. લોકોની જાન માલ ની સુરક્ષા અને નગરની સાફ સફાઈ માટે ડીસા નગરપાલિકા તંત્ર સજજ બન્યું છે. જેના પગલે વરસાદ પહેલાં અને વરસાદ પછી પાલિકા તંત્રએ સફાઈ ઝુંબેશ, કલોરીનેશન, ફ્લોગિંગ સહિતની વિવિધ કામગીરી હાથ ધરી છે. ડીસા નગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સુન પ્લાન અંતર્ગત તેમજ ચોમાસાની ઋતુ દરમ્યાન ડીસા નગરપાલિકા વિસ્તારમાંથી ૨૦ જેટલા હોડીંગ્સ-બેનર ઉતારવામાં આવ્યા હતા. ડીસા નગરપાલિકા વિસ્તારમાં આવેલ તમામ ગટરો-નાળાઓની સફાઈ કરવામાં આવી હતી.
તા. ૨૫ ઓગષ્ટ થી અત્યાર સુધીમાં ડીસા શહેરમાં સતત વરસી રહેલા વરસાદ અને વરસાદે વિરામ લીધા બાદ નગરપાલિકા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. પાલિકા તંત્ર દ્વારા સ્વચ્છતા સાથે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા માટે સજજ બન્યુ છે. જેને પગલે નગરપાલિકા તંત્ર દ્વારા જે.સી.બી મશીન અને ડી- વોટરીંગ પંપ, ટેકટર સહિતના વાહનો અને મજૂરો દ્વારા રસ્તાઓની મરામત અને સાફ સફાઈ, ગટર નાળાની સાફ સફાઈ, દવાઓનો છંટકાવ, ભરાયેલ પાણીનો નિકાલ જેવી વિવિધ કામગીરી કરવામાં આવી છે. ડીસા શહેરમાં વરસાદની સ્થિતિમાં લોકોને અગવડ કે મુશ્કેલી ન પડે એ માટે પાલિકાતંત્ર દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે.