પાણી ઓસરતા ડીસા પાલિકા દ્વારા રોગચાળો નિવારવા માટે દવા છંટકાવ કરાયો
ડીસામાં વરસાદને પગલે સમગ્ર ડીસા નગરમાં જનજીવન પ્રભાવિત થયું છે. મંગળવારે વહેલી સવારે પડેલા વરસાદે વિરામ લેતા પાણી ઓસરતા ડીસા નગરપાલિકા તંત્ર દ્વારા રોડ રસ્તાઓની મરામત અને ખાડા પૂરવાની સાથે દવા છંટકાવની કામગીરી પૂરજોશમાં હાથ ધરાઇ છે.
ડીસામા સોમવારે મધરાતથી મંગળવારે વહેલી પરોઢ સુધી ભારે વરસાદી ઝાપટું પડી હતું. તે અગાઉ પણ બે દિવસ પડેલા વરસાદથી પ્રભાવિત થયેલા જનજીવન પુર્વવત કરવા માટે નગરપાલિકા તંત્ર દ્વારા તાકીદે કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ડીસા નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં પાણી નિકાલ અને સાફ-સફાઈ બાદ દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગીતા દવેએ જણાવ્યું હતું કે, વરસાદના કારણે ગંદકી, ભેજ અને પાણીને લીધે મચ્છરોની ઉત્પત્તિ અને રોગચાળો નિવારવા માટે સફાઈ અને દવા છંટકાવ ઉપરાંત પાણીનું ક્લોરીનેશન, સ્વાસ્થ્ય તપાસ વગેરે કામગીરી હાલમાં ચાલી રહી છે.