
વિપુલ પ્રમાણમાં મગફળી આવતા ડીસા માર્કેટયાર્ડ બંધ
ઉતર ગુજરાતના સૌથી મોટા એવા ડીસા માર્કેટયાર્ડમાં હાલમાં ચોમાસુ મગફળીની મબલખ આવકના પગલે માર્કેટયાર્ડ મગફળીની આવકોથી ઉભરાઈ ગયું છે. જાેકે સમગ્ર ડીસા તાલુકાના ખેડૂતો અહીં પોતાની મગફળી વેચવા માટે આવી રહ્યા છે. પરંતુ અહીં પોતાના પાક વેચવા આવતા ખેડૂતોને ટ્રાફિકની સમસ્યાને લીધે કલાકો સુધી તડકામાં શેકાવવાનો વારો આવ્યો છે. જેમાં હાલમાં મગફળીની વિપુલ પ્રમાણમાં આવક હોવાછતા માર્કેટયાર્ડમા પ્રવેશ કરવા માટેના ત્રણ ગેટમાંથી માત્ર એક જ ગેટ ખુલ્લો રખાતા ટ્રાફિકની સમસ્યા સર્જાવા
પામી છે. જેથી માર્કેટયાર્ડમાં વહીવટની બેદરકારીના કારણે ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હોવાની બાબત સામે આવી છે. આજે શુક્રવારના દિવસે ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતો ટ્રેક્ટરો લઈ મગફળી લઈને આવી પહોંચ્યા હતા. જાેકે માર્કેટ યાર્ડમાં પ્રવેશ માટે એક જ ગેટ ખુલ્લો રાખવામાં આવતા ખેડૂતોના વાહન ટ્રાફિકમાં અટવાયા હતા અને માર્કેટયાર્ડમાં જ ટ્રાફિક ચક્કાજામ સર્જાયો હતો અને તેના લીધે ખેડૂતો કલાકો સુધી તડકામાં શેકાયા હતા અને પોતાનો માલ લઈ વેચાણ કરવાની દુકાનો સુધી પહોંચી શક્યા ન હતા. જાેકે સમગ્ર દિવસ દરમિયાન ટ્રાફિક સમસ્યા યથાવત જાેવા મળી હતી અને તેનો ભોગ ખેડૂતો બન્યા હતા.
બનાસકાંઠામાં વરસાદની આગાહી વચ્ચે માર્કેટયાર્ડ બંધ રહેતા ખેડૂતોમાં મુંઝવણ
હાલમાં હવામાન ખાતા અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ૧૫ થી ૧૮ તારીખ આજુબાજુ વરસાદની આગાહી કરાઈ હોવાથી ખેડૂતો પોતાનો મગફળીનો તૈયાર પાક વેચવા ઉતાવળા થયા હતા તેવા સમયે ચાલુ દિવસોમાં રજા રાખવામાં આવતા હવે ખેડૂતો મુંઝવણમાં મુકાયા છે.
પાક તૈયાર થયા પછી પણ છાંયડો નસીબ નથી : ખેડૂતો
ખેડૂતોએ ચાર મહિના કાળીમજૂરી કરી આકરો તડકો વેઠયો અને પોતાનું અનાજ વેચવા માર્કેટયાર્ડમાં પહોંચ્યા છતાં બેદરકારીના કારણે ટ્રાફિક થયું અને પોતાના વાહનો પર બેસી રહેવાનો વારો આવ્યો. અહીં પણ છાંયડો નસીબ ન થયો અને તડકામાં શેકાવવાનો વારો આવ્યો તેવો રોષ ખેડૂતોએ ઠાલવ્યો હતો.
મગફળીની વધુ આવક થતાં બે દિવસ રજા રહેશે
માર્કેટયાર્ડમાં મગફળીની વધુ આવક હોવાથી શનિવારે રજા રાખવાનો પરિપત્ર કરવામાં આવ્યો છે. હવે શનિવાર અને રવિવાર બે દિવસ રજા રહેશે. પરંતુ વેપારીઓમાં ટ્રાફિકના લીધે રજા રાખવાની ફરજ પડી હોવાનો સૂર ઉઠયો હતો. સાચું જે પણ હોય આખરે તકલીફ ખેડૂતને પાડવાની છે તે નક્કી છે.
સત્તાધીશોની બેદરકારીના લીધે ટ્રાફિકજામ
માર્કેટયાર્ડમાં પ્રવેશ કરવા મુખ્ય ત્રણ ગેટ બનેલા છે. પાલનપુર તરફ એક જ્યારે પાટણ હાઇવે પર બે ગેટ આવેલા છે. છતાં એક ગેટ ખુલ્લો રખાતા ટ્રાફિક સર્જાયું હતું. જેથી ટ્રાફિક સર્જાયા બાદ ડહાપણ આવ્યું અને અન્ય એક ગેટ ખોલવામાં આવ્યો પરંતુ ત્યાં સુધી બહુ મોડું થઈ ગયું હતું અને ટ્રાફિક સમસ્યા વિકરાળ બની ચૂકી હતી. દિવસભર ખેડૂતો હેરાન થયા બાદ સવારના આવેલા ખેડૂતો મોડી રાત્રે ઘરે પહોંચ્યા હતા.
ખેડૂતોની એક વ્યથા : જાયે તો જાયે કહા
જગતનો તાત પોતાનો માલ વેચવા માટે આવ્યો તો ખરો પણ ભારે ટ્રાફિકના કારણે કલાકો સુધી અટવાયા બાદ પોતાના જ ટ્રેકટર ઉપર ભોજન આરોગતા નજરે ચડ્યા હતા.