
ડીસા ડેપોની અંબાજી – નારાયણ સરોવર બસ બંધ કરાતા આક્રોશ
ગુજરાતના બે પવિત્ર યાત્રાધામને સાંકળતી “અંબાજી-નારાયણ સરોવર” બસ રાજ્યના કચ્છ જિલ્લાના અંતરિયાળ, છેવાડાના અને પછાત ગામડાઓના માનવીઓની પરિવહનની એકમાત્ર જીવાદોરી સમાન બસ છે. જે જિલ્લાના નોકરિયાત વર્ગને પણ આશીર્વાદ રૂપ છે. પાલનપુર વિભાગ દ્વારા ડીસા ડેપોથી છેલ્લા ૧૦ વર્ષથી સંચાલિત થતી અંબાજી- નારાયણ સરોવર બસ આમ મુસાફર જનતાને પવિત્ર યાત્રાધામો “માતાનો મઢ”, “નારાયણ સરોવર” અને “કોટેશ્વર મહાદેવ”ના દર્શનનો લાભ અપાવે છે.
પણ અંબાજી ડેપોથી સાંજે ૬ઃ૩૦ કલાકે ઉપડી સવારે ૮ઃ૩૦ કલાકે નારાયણ સરોવર પહોંચાડતી અને એવી જ રીતે વળતા સાંજે ૬ઃ૩૦ કલાકે નારાયણ સરોવરથી ઉપડી સવારે ૫ઃ૩૦ કલાકે ડીસા ડેપો પરત આવતી અનુકૂળ બસ અચાનક બંધ કરી દેવાતા પવિત્ર યાત્રાધામોને સાંકળતી એકમાત્ર બસ સેવા બંધ થઈ ગઈ છે. પૂરતા મુસાફરો મળવા છતાં બસ બંધ કરાતા રઝળી પડેલા મુસાફરોમાં ભારે રોષ છવાયો છે.રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અવિરત છેવાડાના માનવીના વિકાસની ચિંતા કરે છે, ત્યારે તેની સામે એસ.ટી. નિગમના વહીવટના આવા ખોટા ર્નિણયથી લોકોમાં સરકાર પ્રત્યે નારાજગી વ્યાપ્ત થાય છે. ત્યારે મુસાફરોના હિતમાં “અંબાજી નારાયણ સરોવર” બસ ફરી ચાલુ કરવાની પ્રબળ લોકમાંગ ઉઠવા પામી છે.