
ડીસા સિવિલ જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં તબદીલ થશે
બનાસકાંઠા જિલ્લાના વેપારી અને તાલુકા મથક ડીસામાં આવેલ અદ્યતન સિવિલ હોસ્પિટલને રાજ્ય સરકારે જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં તબદીલ કરતા ડીસાવાસીઓમાં ખુશાલી છવાઈ છે. બનાસકાંઠાની આર્થિક પાટનગરી ગણાતા ડીસાએ આરોગ્ય ક્ષેત્રે પણ હરણફાળ ભરી છે. અહીં આલીશાન ખાનગી હોસ્પિટલોમા લગભગ તમામ રોગોની અદ્યતન સારવાર મળી રહે છે પરંતુ મોંઘવારીમાં ખાનગી હોસ્પિટલની સારવાર મોંઘી બનતા રાજ્ય સરકારે લોકોના હિતમાં ડીસા સિવિલમાં આલીશાન સંકુલ બનાવી હોસ્પિટલને સમયને અનુરૂપ આધુનિક બનાવી છે. જ્યાં મોટાભાગની બીમારીઓ અને રોગોની લોકોને ઘર આંગણે સારવાર મળી રહે છે. પરંતુ લોકોની વધતી જતી માંગના પગલે રાજ્ય સરકારે લોકોને વધુને વધુ સગવડ મળી રહે તેને ધ્યાને લઇ સિવિલને જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં ફેરવી વર્ગ ૧ ના મુખ્ય જિલ્લા તબીબી અધિકારી, વર્ગ ૨ માં ૫ તબીબી અધિકારી સાથે વર્ગ ૩ માં ૩૬ અને વર્ગ ૪ માં ૧૫ વધારાના કર્મચારીઓનું મહેકમ પણ મંજુર કર્યું છે.તેમજ સાથે સાથે ૧૫૦ બેડની જગ્યાએ હવે ૨૦૦ બેડની પણ જાેગવાઈ કરી છે.જેથી ડીસાવાસીઓને ઘર આંગણે અદ્યતન સારવાર મળી રહેશે.જેના પગલે ડીસાવાસીઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ સાથે સિવિલને જિલ્લા કક્ષાનો દરજ્જાે અપાવવા અથાક પ્રયત્નો કરનાર સ્થાનિક આગેવાનોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.