ડીસાના થેરવાડાની આંગણવાડીનું મકાન જર્જરીત થતાં બાળકોનાં માથે ભમતું મોત
આંગણવાડીનું મકાન નવું બનાવવા ગ્રામજનોની રજૂઆત: રાજ્ય સરકારે બાળકોને છ વર્ષ પછી ધો.૧માં પ્રવેશ આપવાનું ફરજિયાત કરી ત્યાં સુધી આંગણવાડીમાં ભણાવવાની હિમાયત કરી રહી છે. પરંતુ અનેક આંગણવાડીઓનાં મકાનો જર્જરીત હોવાથી વાલીઓ બાળકોને આંગણવાડીમાં મુકતાં ખચકાઈ રહ્યા છે. ત્યારે ડીસા તાલુકાના થેરવાડા ગામની આંગણવાડીનું મકાન જર્જરીત થયેલું હોવાથી નવું મકાન બનાવવા ગ્રામજનો માંગ કરી રહ્યા છે. જેમાં થેરવાડા ખાતેની આંગણવાડીનું મકાન ખૂબ જૂનું થઈ ગયું છે. જેમાં મકાનની દીવાલોમાં મોટી-મોટી તિરાડો પડી ગઈ છે. ત્યારે આ આંગણવાડીમાં આવતા બાળકોના માથે મોત ભમી રહ્યું હોય તેવી સ્થિતિ જાેવા મળી રહી છે. જે અંગે ગ્રામજનોએ અવારનવાર આંગણવાડીનું મકાન નવું બનાવવા અરજી કરેલી છે, પરંતુ હજુસુધી તાલુકા પંચાયત દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ સિવાય તાલુકા પંચાયત દ્વારા પણ ગ્રામજનોને એમ જણાવાયું છે કે પહેલાં આંગણવાડી ડિમોલિશન કરવાની અરજ કરો, ત્યારબાદ જ આંગણવાડીનું મકાન નવું બનશે. ગામની આંગણવાડીનું મકાન જર્જરિત હોવાથી આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો પણ અહી બેસતાં ખચકાય છે. મકાન પડું પડું થઈ રહ્યું હોવાથી મમતા દિવસ સહિતની કામગીરી પણ થઈ શકતી નથી અને બાળકોને હાલમાં ગામથી ૫ કિલોમીટર દૂર ખુલ્લામાં બેસાડવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. જેથી આંગણવાડી કાર્યકર બહેનોએ પણ આ મકાન નવું બને તે માટે વિનંતી કરી છે.
અનેક રજૂઆતો છતાં પરીણામ શૂન્ય: થેરવાડા તલાટી કમ મંત્રીએ જણાવ્યું હતું કે આંગણવાડી કેન્દ્ર ૨નું મકાન જર્જરીત હાલતમાં છે તે નવુ બનાવવા માટે અમે પંચાયતના લેટરપેડ ઉપર તાલુકા અને જિલ્લામા મોકલી આપ્યું છે. પરંતુ હજીસુધી નવા મકાનની મંજૂરી આપી નથી. આ સિવાય ગામલોકોએ પણ તાત્કાલિક ધોરણે આંગણવાડીના નવા મકાનની તંત્ર સત્વરે મંજૂરી આપે તેવી માંગ કરી હતી.