
ધાનેરાના ૪૨ ગામોમાંથી ૬ હજાર લોકોમાં ડાયાબિટસ અને બ્લડ પ્રેશરની બીમારી
ધાનેરા તાલુકાના ૪૨ ગામોમાં આરોગ્ય વિભાગના સર્વે દરમિયાન આંચકો આવે આવી માહિતી મળી છે. કહેવાય છે કે ગામડાનું જીવન નિરોગી હોય છે પરંતુ હવેનું જીવન ગામડાનું પણ રોગીલું બની ગયું છે. આરોગ્ય વિભાગ દ્વારા બિન ચેપી રોગોને લઈ આશાવર્કરો સાથે મહિલા આરોગ્ય કર્મચારીએ ધાનેરા તાલુકાના ૪૨ જેટલા ગામોમાં રહેતા નાગરિકો કે જેમની ઉંમર ૩૦ વર્ષ કરતા વધારે છે એ તમામની આરોગ્ય લક્ષી તપાસ કરાઇ હતી. જેમાં લોહીનાં નમૂના ઉપરાંત બ્લડ પ્રેશરની તપાસ કરાઇ હતી. જેમાં ૪૨ ગામોમાંથી ૬,૪૦૦ જેટલા નાગરિકોમાં ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની બીમારી મળી આવી છે. મોટા ભાગે ગામડામાં રહેતા લોકોને પોતાની બીમારી વિશે પૂરતી માહિતી હોતી નથી. જેના કારણે સમયાંતરે તેઓ ગંભીર બીમારીનો ભોગ બનતા હોય છે. જોકે આરોગ્ય વિભાગ ના આરોગ્ય લક્ષી સર્વે મા ગામડા માં રહેતા લોકો મા કેવા પ્રકારના ની બિન ચેપી બીમારી છે તેની ખબર પડી ગઈ છે. ડાયાબિટીસ તેમજ બ્લડ પ્રેશર સાથે કેન્સર જેવા ભયંકર રોગથી પીડાતા દર્દીઓને સમયસર સારવાર મળી રહે તે માટે ધાનેરા ખાતે આશા વર્કરોને તાલીમ અપાઈ રહી છે. મેડિકલ ઓફિસર ડો. મીનાક્ષીબેનએ તાલીમને લઈ સામે આવેલા આંકડાને લઈ વધુ માહિતી આપી હતી.
ફાસ્ટ ફ્રુડ અને જંગ ફ્રુડના ઉપયોગથી બિમારીઓ વધી
ધાનેરા ખાતે વર્ષોથી તબીબી ક્ષેત્રે સેવા આપતા ડો. યોગેશભાઈ શર્માના જણાવ્યા અનુસાર જે પ્રમાણે લોકો ખોરાકમાં ફાસ્ટ ફ્રુડ અને જંગ ફ્રુડનો ઉપયોગ કરી રહ્યા છે એ ઘરે બેઠા ડાયાબિટીસ અને અન્ય બિમારીઓને નોતરી રહ્યા છે. ખાસ કરીને બેઠાડું જીવન અને માનસિક અશાંતિના કારણે રોગોમાં વધારો થઈ રહ્યો છે. શાકભાજીથી લઈ અનાજમાં દવાઓ અને રાસાયણિક ખાતરના ઉપયોગના કારણે હવે ખેડૂતો પણ ભયંકર રોગનો શિકાર બની રહ્યા છે.