
ધાનેરાના ધાખા ગામે વીજવાયર તૂટી પડતાં ઘાસચારામાં આગ લાગતા બાળકનું મોત
ધાનેરા તાલુકાના ધાખા ગામમાં પોતાના ભાઈના ત્યાં ખેતરમાં ભાગ રાખી વાવેતર કરતા પરિવારમાં આજે શોકનો માહોલ છવાઈ ગયો છે. આ પરિવાર રવિવારે બપોરના સમયે ખેતરમાં હતો. તે દરમિયાન અચાનક વીજવાયર તૂટી પડતા ઘાસચારામાં આગ લાગી હતી. આ આગમાં માતા ગંભીર રીતે દાઝી ગઈ છે અને તેના ૧૨ વર્ષના પુત્રનું ગંભીર રીતે દાઝી જવાથી કરૂણ મોત નીપજ્યું છે. ધાનેરા તાલુકાના ધાખા ગામની સીમમાં આજે બનેલી ઘટનામા માતાની સામે બાળક આગમાં સમાઈ ગયો છે. ખેતર ઉપરથી પસાર થતી વીજલાઈનનો વીજવાયર તૂટી જતાં ખેતરમાં પડેલ ઘાસચારામા આગ લાગી હતી.
આ મામલે આસપાસના લોકોના જણાવ્યા અનુસાર ઘાસચારો બચાવવા કે પછી પહેલેથી ત્યાં હાજર બન્ને માતા પુત્ર આગમાં લપેટાઈ ગયા હતા. જેમાં માતા આગથી બચી ગઈ હતી. જાેકે બાળક આગમા લપેટાઈ જતાં તેનું મોત થયું છે. ગંભીર રીતે દાઝેલી પ્યારીબેન ભીલને વધુ સારવાર માટે પાલનપુર ખાતે લઈ જવાયા છે. ધાનેરા તાલુકાના વિડ ગામના ગરીબ આદિવાસી સમાજ સાથે બનેલી દુઃખદ ઘટનાને લઈ સમાજમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.