
અખંડ જ્યોત 52 ગજની ધજાઓ સાથે માઈભક્તો મા અંબાના ધામે પધાર્યા
યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પુનમ મહામેળાની રોનક હજી છવાયેલી છે. સાત દિવસ ચાલતો આ મેળો આવતીકાલે 29 સપ્ટેમ્બરે પરિપૂર્ણ થશે. આજે ભાદરવી પૂનમ મહામેળાનો છઠ્ઠો દિવસ છે. ત્યારે મેળાના પાંચ દિવસ દરમ્યાન 30 લાખ કરતાં વધુ માઇભક્તો દર્શનનો લાભ લઇ ચૂક્યા છે. અત્યાર સુધી મેળામાં 4 કરોડ કરતા વધુ આવક અંબાજી મંદિરને થઈ છે. હજી પણ ભક્તોનો અવિરત પ્રવાહ અંબાજીમાં જોવા મળી રહ્યો છે.ભાદરવી પૂનમ મહામેળામાં લાખો પદયાત્રિકો મા અંબાના ધામે આવે છે. મોટી સંખ્યામાં ભક્તો પગપાળા સંઘો લઈને સેંકડો કિલોમીટર દૂરથી અંબાજી પહોંચી માતાજીનો આશીર્વાદ મેળવે છે. ભક્તો પોતાની બાધા અને માનતા પણ પૂર્ણ કરવા દૂર દૂરથી ચાલતા આવે છે. આવતીકાલે મેળો પરિપૂર્ણ થવાની તૈયારીઓમાં છે ત્યારે હજી પણ અંબાજીમાં ચારેબાજુ ભક્તોની ભારી ભીડ જોવા મળી રહી છે. અંબાજી મંદિરનો ચાચર ચોક અને મંદિરની રેલિગો પણ ભક્તોથી ઉભરાઈ રહી છે. મા અંબાનો જયઘોષ અંબાજી મંદિરની સાથે સાથે સમગ્ર અંબાજીમાં ગુંજી રહ્યો છે.મોડાસાના પદયાત્રી જાનવી દરજીએ જણાવ્યું હતું કે, અમે 32 વર્ષથી પગપાળા સંઘ લઈને અંબાજી આવીએ છીએ. માતાજીની અખંડ જ્યોત અને ધજા લઈને ચાલતા મોડાસાથી અંબાજી આજે પહોંચ્યા છીએ. રંગે ચંગે આજે માતાજીના મંદિર પહોંચ્યા છીએ. મા જગતજનની બધાનો કલ્યાણ કરે તેવી પ્રાર્થના.
પાલનપુરના યાત્રિક ભાવિન જોશીએ જણાવ્યું હતું કે, અમે જય અંબે મિત્ર મંડળ પાલનપુર દ્વારા 401 ફૂટની ધજા લઈને પગપાળા 101 સ્વંય સેવક સાથે આજે અંબાજી આવ્યા છીએ. રસ્તાઓમાં તંત્ર દ્વારા ઉત્તમ સેવાઓ ઊભી કરવામાં આવી છે. જેનાથી પગપાળા આવતા ભક્તોને તમામ સુવિધાઓ મળી રહી છે. યાત્રિકો અંબાજી મંદિર ટ્રસ્ટનો આભાર વ્યક્ત કરી રહ્યા છે.યાત્રિક રાજુ ભાવતારએ જણાવ્યું હતુ કે, અમે સાબરમતીથી પગપાળા સંઘ લઈને અંબાજી આવ્યા છીએ. 37 વર્ષથી સતત માતાજીના ધામે પગપાળા આવીએ છીએ. 52 ગજની ધજા લઈને આજે માતાજીના ધામે પહોંચ્યા છીએ. માતાજીની આશીર્વાદ લઈ મંદિરના શિખર પર ધજા અર્પણ કરીએ.