ન્યુ પાલનપુર બહાર હાઇવે પર સ્પિડ બ્રેકર મૂકવા માંગ : અકસ્માતોની ભીતિ
સોસાયટીના રહીશોએ વ્યક્ત કરી અકસ્માતોની ભીતિ: પાલનપુર આબુરોડ હાઇવે પર નવીન બ્રિજ નીચે આવેલ ન્યુ પાલનપુર વિસ્તારમાંથી બહાર નીકળતા જ નેશનલ હાઈવે આવતો હોવાથી પૂર ઝડપે વાહનો આવતા હોવાના કારણે અકસ્માત થવાની ભિતિના પગલે સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તેવી રહીશોની માંગ ઉઠી છે.
પાલનપુર આબુ હાઇવે પર ન્યુ પાલનપુર વિસ્તાર આવેલો છે જ્યાં તિરુપતિ રાજનગર, બાલાજી સીટી, રાજ મહેલ, સાકાર, શાશ્વત, રિદ્ધિ સિદ્ધિ સહિતની સોસાયટીઓ અને પાર્ટી પ્લોટ આવેલો છે. આ સોસાયટી ના બહાર નીકળતા ની સાથે નેશનલ હાઈવે આવતો હોવાથી આ નેશનલ હાઇવે પર થી પૂર ઝડપે વાહનો પસાર થતા હોવાના કારણે અકસ્માત સર્જવાની ભિતી સેવાઈ રહી છે.
આ બાબતે અવારનવાર રજૂઆત તંત્રને કરવામાં આવી છે પરંતુ હજુ સુધી તેના પર કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી જેના કારણે રહીશોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. તેમજ આગામી દિવસોમાં ગણેશ ઉત્સવનો તહેવાર આવી રહ્યો છે. ત્યારે ન્યુ પાલનપુર વિસ્તારમાં મોટાપાયે ગણેશ ઉત્સવ કરવામાં આવે છે જેથી રાત્રિ દરમિયાન લોકોની અવરજવર પણ રહેશે. જેથી કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલા તંત્ર દ્વારા ન્યુ પાલનપુર વિસ્તારની બહારના ભાગે નેશનલ હાઈવે પર બંને બાજુ સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તેવી માંગ સાથે રોડ ઉપર ઉતરી આવ્યા હતા. જો સ્પીડ બ્રેકર મૂકવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર રજૂઆત કરી આંદોલન કરવાની ચીમકી આપી હતી.