પાલનપુરના જુના બસ સ્ટેન્ડમાં સીસીટીવી કેમેરા લગાવવા માંગ
પાલનપુર શહેરની મધ્યમાં આવેલ જુના બસ સ્ટેન્ડના નવા બિલ્ડિંગમાં સીસી ટીવી કેમેરા ન હોવાના કારણે અહી મુસાફરોના મોબાઈલ ની ચીલઝડપ અને બાઈક ચોરીના બનાવો વધી રહ્યા છે. ત્યારે મુસાફરોની સલામતી માટે એસટી વિભાગ દ્વારા આ બસ સ્ટેન્ડ માં સીસીટીવી લગાવવામાં આવે તે માટે મુસાફરો દ્વારા ડેપો મેનેજર અને જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. પાલનપુરમાં બજાર મધ્યે આવેલ જુના બસ સ્ટેન્ડનું તાજેતરમાં કરોડો રૂપિયા ના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે. જોકે, નવ નિર્મિત આ બસ સ્ટેન્ડમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા ન હોઇ ખિસ્સા કાતરૂઓ તેમજ ગઠિયા ઓ લોકોના પાકીટ, મોબાઈલની ચિલ ઝડપ કરી જાય છે. અને અહી પાર્ક કરેલા સ્કુટી તેમજ બાઈક ચોરીના બનાવો વધી રહ્યા છે. તેમ છતાં અહી સીસીટીવી કેમેરા લગાવવામા ન આવતા મુસાફરોની સુરક્ષા ને લઇ અનેક પ્રશ્નો ઉભા થવા પામ્યા છે. જોકે, શહેરમાં તાજેતરમાં ન્યુ બસ પોર્ટ પર થયેલી મારામારીમાં સીસીટીવી કેમેરા પોલીસ માટે કડી રૂપ સાબિત થયા હતા. ત્યારે જુના બસ સ્ટેન્ડ માં ભવિષ્યમાં અનિચ્છનીય બનાવ બને તે પહેલા જવાબદાર તંત્ર દ્વારા બસ સ્ટેન્ડ માં સીસીટીવી કેમેરા લગાવવા માટે તે માટે મુસાફરો દ્વારા ઉચ્ચકક્ષાએ લેખિત રજૂઆત કરી છે.