
ખાનપુર,નાગલા અને ડોડગામનું દૂષિત પાણી માલસણ કેનાલમાં નહીં છોડવાની માંગણી
થરાદ તાલુકાના પુર અસરગ્રસ્ત ખાનપુર,નાગલા અને ડોડગામનું ભરાયેલું વરસાદી પાણી માલસણ નહેરમાં ઠાલવવામાં આવતું હોઇ વાવ અને સુઈગામ તાલુકાના ખેડૂત અગ્રણીઓએ નર્મદા વિભાગમાં પાણીના સેમ્પલ સાથે આવીને આ ગંદુ અને ક્ષારયુક્ત પાણી સદંતર બંધ કરવાની લેખિતમાં માંગણી કરી કરી તેનાથી પ્રજાના અને જમીનના આરોગ્ય કથળવાની દહેશત વ્યક્ત કરી હતી. થરાદની મુખ્ય કેનાલમાંથી વાવ તાલુકાના માલસણ કેનાલમાં ખેડુતોને પાણી આપવામાં આવે છે. આ અંગેના થરાદ વાવ,સુઇગામ તાલુકાના ખેડૂતોએ શુક્રવારે નર્મદા કેનાલ કચ્છ શાખા નહેર વિભાગના કાર્યપાલક ઇજનેરને પાણીની બોટલ સાથે આવીને લેખિતમાં રજૂઆત કરી હતી.
જેમાં જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી માલસણ કેનાલમાં થરાદના ખાનપુર, નાગલા, ડોડગામનું દૂષિત પાણી છોડવામાં આવે છે. જે માલસણ કેલાલ મારફતે વાવ અને સુઈગામ તાલુકાના ૨૩ થી વધારે ગામોમાં ખેતી માટે પૂરું પાડવામાં આવે છે. જે પાણી ખૂબ જ દૂષિત,ક્ષાર અને ગંદકી વાળું પણ છે. મોટાભાગના ખેડુતો પોતાના પશુધન સાથે ખેતરોમાં વસે છે. જેમને પણ પીવાના પાણી તરીકેનો મુખ્ય સ્ત્રોત પણ નર્મદાનું પાણી છે. આ પાણી આરોગ્ય માટે ખૂબ જ હાનિકારક છે અને ભયંકર રોગચાળો ફાટી નીકળે તેવી સ્થિતિ પણ છે. તેથી આ ઠલવાતા દૂષિત અને ખારા પાણીથી ખેતરોમાં ખૂબ જ ખારાશ વધી રહી છે અને ખેડૂતોના રવિ સિઝનમાં મોંઘા ભાવના જીરા રાયડાના બિયારણનો પણ ઉગાવા સારો થાય તેમ નથી.