
સાંગલા અને મલાણાના તળાવોમાં દાંતીવાડા સિંચાઇનું પાણી નાંખવા માંગ
રખેવાળ ન્યુઝ પાલનપુર : પાલનપુર તાલુકાના મલાણા પંથકમાં સિંચાઇના પાણીની સમસ્યાને દૂર કરવા માટે આ વિસ્તારના ખેડૂતો દ્રારા સાંગલા અને મલાણા ગામે આવેલ તળાવોમાં દાંતીવાડા ડેમનું પાણી નાખવા માટે જિલ્લા કલેકટર ને રજૂઆત કરવા માં આવી છે. જેમાં ભૂગર્ભ જળ તળિયે પહોંચવા ને લઈ આ વિસ્તારના ગામડા ઓમાં પાણી ન અભાવે ખેતી અને પશુપાલનનો વ્યવસાય ખતરામાં મુકાયો હોઈ સરકાર દ્રારા આ પંથકમાં પાણીની અછતને દૂર કરવા માટે યુદ્ધ ના ધોરણે તળાવોમાં પાણી ભરવાની યોજના અમલમાં મૂકે તેવી માંગ કરવામાં આવી છે. ભૂગર્ભમાં પથ્થર ધરાવતા પાલનપુર તાલુકાના મલાણા પંથક જળ સમસ્યાનો સામનો કરી રહ્યો છે અહીં જમીન અંદર બસ્સો ફૂટે પથ્થર આવતો હોય બોરવેલ ફેલ થઈ રહ્યા છે તેમજ છેલ્લા કેટલાય વર્ષો થી અપૂરતા વરસાદ ને લઈ ભૂગર્ભ જળ સતત નીચા જઇ રહ્યા હોય સાંગલા, મલાણા, ભુતેડી, ભટામલ(મોટી), મલાણા, બાદરપુરા (ભૂ), આકેડી, દેલવાડા, મોરિયા, પારપડા, વાધણા, લુણવા, આંત્રોલી, પીરોજપુરા, જેશુગપુરા, ખેમાણા, હેબતપુરા, જશપુરીયા સહિત ના ૨૫ થી ૩૦ ગામો માં પાણીના તળ ઉંડા જવાથી બોર અને કુવામાં નહિવત પાણી અને પાણી સુકાઈ જતા સિંચાઇને લઈ ખેડૂતો ને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. જોકે, આ વિસ્તારમાં પાણીની સમસ્યા નું નિરાકરણ ન આવે તો ભવિષ્યમાં પીવાના પાણીની પણ જટિલ સમસ્યા સર્જાઈ શકે તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે. જેને લઇ ખેતી અને પશુપાલનનો વ્યવસાય ખતરામાં મૂકાયો છે. જોકે પાણી ની સમસ્યા દૂર કરવા માટે આ વિસ્તારના ખેડૂતો દ્રારા અગાઉ અનેકવાર સરકાર માં તેમજ તંત્રમાં રજૂઆતો કરવા માં આવી છે. અને વર્ષ ૨૦૧૭ ની ચૂંટણી આ વિસ્તાર માં પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે બાલારામ નજીક ચેકડેમ બનાવવા માટે ભાજપ ના આગેવાનો દ્રારા વચન આપવા માં આવ્યુ હતું. પરંતુ આજ દિન સુધી પાણી ની સમસ્યા દૂર કરવા કોઈ જ નક્કર કાર્યવાહી ન કરતા આખરે આ વિસ્તાર ના ખેડૂતો દ્વારા પાલનપુર નિવાસી કલેકટર બાભણીયાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં સાંગલા અને મલાણાના તળાવોમાં દાંતીવાડા ડેમનું પાણી નાખવાની ઉગ્ર માંગ કરાઈ હતી.
Tags Banaskantha malana sangla