ડીસાનો ભોપાનગર રેલવે ફાટક બંધ કરાતા રાજપુરમાં ટ્રાફિકજામ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ રાજપુર : ડીસા નજીક આવેલ ભોપાનગર ફાટક આગોતરી જાણ વગર અચાનક બંધ કરી દેવામાં આવી હતી. જેથી અટવાઈ પડેલા વાહનો રાજપુરના સાંકડે રસ્તે પસાર થતા ટ્રાફિક ચક્કાજામ થયો હતો. જેના કારણે હજારો વાહન ચાલકો રઝળી પડ્યા હતા. ડીસા – પાટણ હાઇવે પાટણ અને કાઠિયાવાડને જોડતો એકમાત્ર હાઇવે છે તેથી અહીં રાત દિવસ વાહનોનો વધુ ઘસારો રહે છે. પણ ડીસાને અડીને આવેલ ભોપાનગર રેલવે ફાટક વાહન ચાલકો સહિત મુસાફરો માટે માથાનો દુખાવો બની ગઈ છે. વારંવાર ફાટક બંધ રહેતા લોકો અકળાઈ ઉઠ્‌યા છે. અહીં ઓવર કે અંડર બ્રિજની તાતી જરૂરિયાત વર્તાય છે તેમ છતાં રેલવેના બાબુઓ લોકોની વ્યાજબી રજુઆત ધ્યાને લેતા નથી. પ્રજાના પ્રતિનિધિઓ પણ આંખ આડા કાન કરે છે. તેથી ટ્રાફિક ચક્કાજામની રોજિંદી સમસ્યા વચ્ચે સોમવારે અચાનક આગોતરી જાણ વગર રેલવે તંત્રએ નવીનીકરણના બહાને ફાટક બન્ધ કરી દીધી હતી. તેથી હજારો વાહનો અટવાઈ પડ્યા હતા. અટવાયેલા વાહન ચાલકોનો ઘસારો નજીકના રાજપુર રોડ ઉપર વધી પડતા અહીં ટ્રાફિકજામ થયો હતો. વાહનોની લાંબી લાઈનો બન્ને તરફ લાગી જતા વાહન ચાલકો સાથે મુસાફરો પણ રઝળી પડ્યા હતા. જેમાંથી ઘણાને નછૂટકે ઢુવા રોડનો પાંચ કી. મી. નો ફોગટનો ફેરો ખાવો પડ્યો હતો. જેથી ત્રાહિમામ પોકારી ઉઠેલા વાહન ચાલકો અને મુસાફરોએ લાપરવાહ રેલવે તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.