ડીસામાં હેલ્થ કાર્ડ મેળવવા વેપારીઓનો ધસારો
રખેવાળ ન્યુઝ ડીસા : સમગ્ર દેશમાં કોરોના મહામારીના પગલે લોકડાઉનનો ત્રીજો તબબકો અમલમાં છે છેલ્લા ૪૮ દિવસથી લોકો ઘરોમાં કેદ છે તેમજ બજારોમાં પણ જીવન જરૂરી ચીજ વસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ રહેતા અન્ય ચીજ વસ્તુઓનો વેપાર કરતા વેપારીઓની હાલત કફોડી બની છે ત્યારે વેપારીઓની અવાર નવારની રજુઆતના પગલે ડીસા વેપારી એસોસિએશન દ્વારા સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોના પાલન સાથે શહેરમાં તમામ ધંધા રોજગાર ચાલુ કરવા માટે અનેકવાર રજુઆત કરવામાં આવી હતી. જેના પગલે ડીસા નાયબ કલેક્ટર અને હેલ્થ ઓફિસર દ્વારા ડીસામાં તમામ વેપારીઓને સુરક્ષાના ભાગ રૂપે હેલ્થ કાર્ડ ઇસ્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
જેમાં તમામ વેપારીઓનું આરોગ્ય વિભાગ દ્વારા સ્કેનિંગ કરવાની કામગીરી મામલતદાર કમ્પાઉન્ડ ખાતે સોમવારે શરૂ કરવામાં આવી હતી. આ કામગીરીના પગલે વેપારીઓ ટોળા સ્વરૂપે પહોંચી જતા સોસીયલ ડિસ્ટનશના નિયમનું પાલન ના થતા ભારે અફરા તફરી મચી હતી અને તેના પગલે ડીસા ઉત્તર પોલીસ દોડી આવી. તમામ વેપારીઓ વચ્ચે સોસીયલ ડિસ્ટન્સ જાળવી પોતાનું સ્કેનિગ કરાવવા માટે અપીલ કરવામાં આવી હતી ત્યારે બાદ આ વેપારીઓનું આરોગ્ય વિભાગ દ્વારા સ્કેનીગ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.આ બાબતે ડીસા કરીયાણા મરચન્ટ એસોસિએશનના પ્રમુખ જગદીશભાઈ મોદીએ જણાવ્યું હતું કે હાલમાં કોરોના મહામારી ચાલે છે જેના પગલે તકેદારી પણ જરૂરી છે તેના ભાગ રૂપે જિલ્લા હેલ્થ અધિકારી અને ડીસા એસ.ડી.એમ.ની સૂચનાના પગલે ડીસામાં ૬૫૦ જેટલા વેપારીઓની હેલ્થ ચકાસણી કરી તેમને હેલ્થ કાર્ડ ઈશ્યુ કરી ત્યાર બાદ જ દુકાનો ખોલવાની મંજુરી આપવામાં આવવાની સૂચનાના પગલે ડીસામાં તમામ વેપારીઓનું હેલ્થ સ્કેનિગ કરી દઈશ. નગરપાલિકા દ્વારા હેલ્થ કાર્ડ ઈશ્યુ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ડીસામાં સોમવારે ૧૨૫ વેપારીઓની હેલ્થ સ્કેનિંગ અને મંગળવારે ૫૫૦ જેટલા વેપારીઓનું સ્કેનિંગ કરવામાં આવ્યું છે.
Tags Banaskantha Deesa