
બનાસકાંઠામાં ભૂગર્ભ જળ સ્તર ઊંચા લાવવા ૬૧૯ તળાવ ઉંડા કરવાની કામગીરી જારી
(રખેવાળ ન્યૂઝ) પાલનપુર, સરહદી બનાસકાંઠા જિલ્લામાં ભૂગર્ભ જળ ઊંચા લાવવા અને સિંચાઈના પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા સરકાર દ્વારા હાલ જીલ્લામાં ૬૧૯ નાના મોટા તળાવને ઉંડા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ તળાવો ઊંડા થયા ૩.૭૦ એમસી, એમટી મિલિયન ઘન ફુટ પાણીનો વધારો થશે. જેના લઇ ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવવાની સાથે સિંચાઈના પાણીની તંગી નિવારી શકાશે.
એકાંતરે વર્ષે અપૂરતા વરસાદને કારણે પીવાના તેમજ સિંચાઈના પાણીની સમસ્યાનો સામનો કરતા બનાસકાંઠા જિલ્લામાં ભૂગર્ભ જળ સ્તર ઊંચા લાવવા અને સિંચાઈના પાણીની સમસ્યાનો મહદ અંશે ઉકેલ લાવવા માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ જિલ્લામાં ૬૧૯ તળાવો ઉંડા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જાેકે, આ તળાવ ઉંડા થવાથી અગાઉ તળાવોમાં જે પાણી નો સંગ્રહ થતો હતો. તેમાં ૩.૭૦ એમસી, એમટી મિલિયન ઘન ફુટ પાણીનો વધારો થશે.
તેમજ નર્મદાની મુખ્ય કેનાલમાંથી સુજલામ સુફલામ્ યોજના અંતર્ગત કસરાથી દાંતીવાડા સુધીની પાણી પાઇપ લાઈન માંથી પાલનપુર તાલુકાના ૯૨ જેટલા તળાવમાં પાણી ભરવામાં આવશે.
જાેકે, તળાવોમાં વરસાદી તેમજ નર્મદા નાં પાણીનો સંગ્રહ થવાથી જિલ્લામાં ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવવાની સાથે સિંચાઈના પાણીની સમસ્યાનો ઉકેલ આવશે. જેને લઈને પશુપાલન અને ખેતીના વ્યવસાયને વેગ મળવાથી ખેડૂતો અને પશુ પાલકો આર્થિક રીતે સદ્ધર બનશે. સાથે જિલ્લામાં સિંચાઈ ના પાણીની સુવિધા ઉપલબ્ધ થવાથી લીલોતરી પથરાવનાર હોઇ ખેડૂતો તળાવ ઉંડા કરવાની અને તળાવોમાં પાણી ભરવાની યોજના ને લઈ ખુશાલી છવાઈ છે.
કસરા- દાંતીવાડા પાઇપ લાઇનમાંથી ૯૨ તળાવમાં પાણી ભરાશે
નર્મદાની મુખ્ય કેનાલમાંથી કસરાથી દાંતીવાડા સુંધી પાણીની પાઇપ લાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે. જે પાઇપ લાઇન મારફતે પાલનપુર તાલુકા માં મલાણા સહિતના ૯૨ તળાવમાં નર્મદાનુ પાણી ભરવામાં આવશે. જેને લઈને ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવવાની સાથે સિંચાઈના પાણીની સુવિધા ઉપલબ્ધ થશે.
કસરા પાઇપ લાઇન પર ચાર પંપીંગ સ્ટેશન ઊભા કરાશે
કસરાથી નર્મદા કેનાલની પાણી દાંતીવાડા ડેમમાં નાખવાની યોજનામાં કુલ ચાર પંપીંગ સ્ટેશન ઊભા કરાશે. જેમાં પાટણ જિલ્લામાં હારીજ અને ધારૂલા તેમજ પાલનપુર તાલુકામાં વાસણી અને કુશકલ ખાતે પંપીંગ સ્ટેશન ઊભા કરવામાં આવશે અને આ પંપીંગ સ્ટેશન મારફતે પાણીનો જથ્થો પૂરો પાડવામાં આવશે.