થરાદના મલુપુર ખાતે વિવિધ વિકાસના કાર્યોનું ખાતમુર્હુત અને લોકાર્પણ તેમજ નડાબેટ ખાતે યોજાશે પદયાત્રા
વિધાનસભાના અધ્યક્ષ અને પ્રભારી મંત્રીની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું કરાશે આયોજન
સમગ્ર કાર્યક્રમના સુચારુ આયોજન માટે જિલ્લા કલેકટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
નરેન્દ્રભાઈ મોદીએ, ગુજરાત રાજયના ૧૪મા મુખ્યમંત્રી તરીકે તા.૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિવસે શપથ લઈને રાજ્યની વિકાસ યાત્રાની કરવટ બદલી હતી. તેમના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની વર્ષ-૨૦૦૧ થી વર્ષ-૨૦૨૪ સુધીની ૨૩ વર્ષની સર્વગ્રાહી વૈશ્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાથામાં નાગરિકોને જોડી ઓકટોબર-૨૦૨૪ની તા. ૦૭ થી તા.૧૫ દરમિયાન “વિકાસ સપ્તાહ” ઉજવણીનું આયોજન રાજ્યની સાથે બનાસકાંઠા જિલ્લામાં પણ કરાયું છે.
વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત તા.૧૦ ઓકટોબર ૨૦૨૪ના રોજ સવારે ૧૨.૩૦ કલાકે થરાદ તાલુકાના મલુપુર ખાતે વિવિધ વિકાસના કાર્યોનો ખાતમુર્હુત અને લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરાશે જ્યારે સાંજે ૪.૩૦ કલાકે નડાબેટ ખાતે પદયાત્રાનું આયોજન કરાશે.ઉપરોક્ત બંને કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને જિલ્લા પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપૂતની વિશેષ ઉપસ્થિત રહેશે. સમગ્ર કાર્યક્રમના સુચારુ આયોજનને લઇને બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી,પાલનપુર ખાતે બેઠક યોજાઇ હતી.
સુઈગામ તાલુકાના નડાબેટ ખાતે સાંજે ૪.૩૦ કલાકે નડેશ્વરી માતાના મંદિર થી લઈને સીમા દર્શન ગેટ સુધી પદયાત્રાનું આયોજન કરીને વિકાસ ભારત સપ્તાહ અંતર્ગત પ્રતિજ્ઞા લેવામાં આવશે.