
અંબાજીના સુપ્રદ્ધિ ભાદરવી પૂનમના મેળા માટે દર્શનનો સમય વધારાયો
અંબાજી મંદિર એ કરોડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. માઈ ભક્તો માટે આ એક રુડો અવસર બની રહે છે. જ્યા લાખો ભક્તો દર વર્ષે ભાદરવી પૂનમ પહેલા પગપાળા નીકળે છે. વિશ્વપ્રસિદ્ધ મા અંબેના ધામ અંબાજી ખાતે દર વર્ષે આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાય છે. જેમાં વિદેશોથી પણ ભક્તો આવે છે. ત્યારે ફરી એકવાર ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ગઈકાલે યોજાયેલી એક મીટિંગમા જાહેરાત કરાઈ કે, 23 થી 29 સપ્ટેમ્બર દરમિયાન અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો યોજાશે. યાત્રાધામ અંબાજી ખાતે આગામી તારીખ 23 સપ્ટેમ્બર થી 29 સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમનો મેળો ભરાશે. આ મેળામાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય છે. ત્યારે લાખો પદયાત્રિઓને શાંતી અને સરળતાથી દર્શનનો લાભ મળી શકે તે માટે મેળાનાં સાત દિવસ દરમિયાન અંબાજી મંદિરમાં દર્શન અને આરતીનાં સમયમાં ફેરફાર કરાયો છે. તેમજ ભક્તો માટે દર્શનનાં સમયમાં પણ વધારો કરાયો છે.
મંદિર ટ્રસ્ટના ભટ્ટજી મહારાજ તન્મય ઠાકરે દ્વારા જણાવ્યા અનુસાર, જે આરતી સવારે 07.00 કલાકે થતી હતી, તેનાં બદલે મેળાનાં સાત દિવસ દરમિયાન સવારની આરતી 06.00 થી 06.30 સુધી થશે. સવારે દર્શન 06.30 થી 11.30 કલાક સુધી રહેશે. જ્યારે બપોરે દર્શન 12.30 થી સાંજ નાં 05.00 કલાક સુધી ખુલ્લા રહેશે. સાંજની આરતી 07.00 થી 07.30 સુધી અને રાત્રિનાં દર્શન સાંજે 07.30 થી મોડી રાતનાં 12.00 કલાક સુધી મંદિર ખુલ્લા રાખવાનો નિર્ણય ટ્રસ્ટ દ્વારા લેવાયો છે.
મેળા દરમ્યાન અંબાજીમાં દર્શન-આરતીનો સમય
આરતી સવારે 06.00 થી 06.30
સવારે દર્શન 06.30 થી 11.30
બપોરે દર્શન 12.30 થી સાંજ નાં 05.00
સાંજની આરતી 07.00 થી 07.30
રાત્રિનાં દર્શન સાંજે 07.30 થી મધ્ય રાતનાં 12.00 કલાક સુધી
ભાદરવી પૂનમના રોજ આવતા ભક્તોનો વ્યાપ દિવસેને દિવસો વધતો જાય છે. તેથી ભક્તોની સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવશે. ભક્તોને દર્શન કર્યા બાદ સુખદ અનુભવ થાય તે પ્રકારનું સમગ્ર આયોજન હશે. જેમાં કચાશ રાખવામાં નહિ આવે. ઉલ્લેખનીય છે કે, આ મહામેળામાં મોહનથાળના પ્રસાદનો પણ ખાસ મહિમા છે. તેથી નિયમિત કરતા વધુ મોહનથાળનો પ્રસાદ આ દિવસોમાં બને છે.