
દાંતીવાડા ડેમને સીપુ ડેમ સાથે ઇન્ટરલીંક કરાશે
ઉપરવાસમાં સારો વરસાદ પડવાના લીધે તે પાણીની આવક બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમમાં થાય છે અને ડેમ ભરવાના લીધે તે પાણી ખેડૂતોને સિંચાઈ માટે આપવામાં આવે છે તો કેટલીકવાર ડેમ ઓવરફ્લો થવાના લીધે તે પાણી નદીમાં છોડવામાં આવે છે અને આ પાણી કચ્છના રણ સુધી પહોંચે છે જે કોઈ ઉપયોગ થતો નથી. જેથી દાંતીવાડા ડેમને સીપુ ડેમ સાથે જાેડવામાં આવે તો દાંતીવાડા અને સીપુ ડેમ બંને યોજનાના ખેડૂતોને ખેતી માટે પાણી મળી રહે તે અંગે ડીસા અને ધાનેરાના ધારાસભ્યે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. જેના પગલે હાલમાં સરકાર દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. બનાસકાંઠા જીલ્લાની જીવાદોરી સમાન સૌથી બે મોટી બનાસ અને સીપુ નદી આવેલ છે. બંને નદીઓ બનાસકાંઠા માટે ખુબ જ મહત્વની છે. દાંતીવાડા ડેમમાં ઉપરના ભાગે વરસાદ ઓછો પડવાના લીધે નદીનો પ્રવાહ ચાલુ ઓછો રહે છે. જયારે વરસાદ સારા પ્રમાણમાં પડે ત્યારે દાંતીવાડા ડેમથી નદીમાં થઈ પાણી રણમાં વહી જતું હોય છે અને તેની ૧૦ કીમીના અંતરે સીપુડેમ આવેલ છે. તે ડેમ બન્યા પછી માત્ર એકવાર ભરાયેલ છે. સીપુ ડેમ આધારીત તેની લગતી સિંચાઈ યોજનાઓ પણ છે. પરતું તે વિસ્તારના ખેડૂતોને ડેમ ન ભરવાના લીધે ખેડૂતોને સિંચાઈનો લાભ મળી શકતો નથી. જયારે દાંતીવાડા ડેમમાં ઓવરફલોનું પાણી સીપુ ડેમમાં નાખવામાં આવે તો રણમાં વહી જતું પાણી અટકાવી શકાશે અને સીપુ ડેમમાં પાણી નાખવાથી સીપુડેમ આધારીત સિંચાઈ યોજનાથી ખેડૂતોને લાભ થાય તેમ છે. જેથી આ મામલે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી અને ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરી હતી. જેથી સરકાર દ્વારા આ મામલે વિચારણા કરી હાલમાં ટેકનીકલ સર્વે કરવાની કામગીરી હાથ ધરાઈ છે. દાંતીવાડા ડેમથી ઉપરના ભાગે સીપુડેમના ઉપરના ભાગે ગ્રેવીટીના આધારે ઇન્ટરલીંકીંગ કરવામાં આવે તો ખેડૂતોને ખૂબ જ ફાયદો થાય તેમ છે.
મહેનત રંગ લાવી : પી.જે ચૌધરીએ પણ સરકારમાં અનેકવાર રજૂઆતો કરી હતી
બનાસ મેડીકલ કોલેજના પ્રમુખ અને બનાસ ડેરીના ડિરેક્ટર પી.જે ચૌધરીએ દાંતીવાડા સહિત ધાનેરા તાલુકાના લોકો માટે પાણી સમસ્યા માટે સતત કામગીરી કરી છે પછી તે વરસાદી પાણીની વાત હોય કે તળાવઓને લોક ભાગીદારી થકી ઊંડા કરવાની વાત હોય. ત્યારે સરકારના આ ખેડૂતોના હિતમાં લેવાયેલા ર્નિણયમાં તેમની કામગીરીને પણ સ્થાનિક લોકો અનેક સોશિયલ મીડિયા માધ્યમ થકી બિરદાવી રહ્યા છે.
કેનાલ સાથે લિંક કરવામાં આવે તો ખેડૂતોને ફાયદો
આ અંગે રાણપુર ગામના ખેડૂત કલ્યાણભાઈ રબારીએ જણાવ્યું હતું કે દાંતીવાડા ડેમનું પાણી ડેમ ઓવરફ્લો થવાના લીધે વેડફાય છે અને જ્યારે સિંચાઈ માટે આપવામાં આવે છે તો તેનો સૌથી વધુ લાભ પાટણ જિલ્લો લે છે અને ત્યાં નર્મદા કેનાલ આવી ગઈ છે. જેથી દાંતીવાડા ડેમને સીપુ ડેમ સાથે કેનાલ મારફતે લીંક કરવામાં આવે તો બંને ડેમની યોજનાના ખેડૂતોને મોટો લાભ થાય તેમ છે અને સરકાર આવું જ કરશે તેવું અમને વિશ્વાસ છે.
દાંતીવાડાનું પાણી કચ્છના રણ સુધી વેડફાય છે
બનાસકાંઠામાં જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ ભરાય ત્યારે તેનું પાણી સિંચાઈ માટે બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ખેડૂતોને આપવામાં આવે છે અને જાે ઉપરવાસમાં વધુ વરસાદ પડવાના લીધે ડેમ ઓવરફ્લો થાય તો તે પાણી બનાસ નદીમાં છોડવામાં આવે છે અને આ પાણી કચ્છના રણ સુધી પહોંચી ખોટી રીતે વેડફાય છે જાે આ બંને ડેમોને કેનાલ મારફતે લિંક કરવામાં આવે તો ખેડૂતોને ફાયદો થશે તેમ ધારાસભ્ય માવજી દેસાઈએ જણાવ્યું હતું.