દાંતાના ગંગવા ગામે ગાયની ચોરી બાદ હત્યાથી અરેરાટી
દાંતા તાલુકામાં પશુ અત્યાચારની હિંસક ઘટના સામે આવી છે. જેમાં તાલુકાના ગંગવા ગામે ગત રાત્રે અજાણ્યા ઈસમોએ એક ઘરેથી ગાયની ચોરી કરી હતી. ત્યારબાદ ગાયની ચોરી કર્યા બાદ ગાયને જંગલ વિસ્તારમાં લઈ તેની હત્યા કરી હતી. દાંતા તાલુકામાં ગાયની ચોરી કરી તેને મારી નાખવાની ઘટના સામે આવતા લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે. ગંગવા ગામે ઠાકોર ભમુજી પથુજીના ઘરેથી મોડી રાત્રે ચોરોએ ગાયની ચોરી કરી ગાયને જંગલ વિસ્તારમાં લઈ જઈ તેની હત્યા કરી બે ટુકડા કર્યા હતા. પરિવારજનોએ જણાવ્યું હતું કે રાત્રે ૧૦ વાગ્યાની આજુબાજુમાં કોઈ અંજાણ્યા ઈસમોએ ગાયની ચોરી કરી ગાયને જંગલ વિસ્તારમાં લઈ જઈ તેની હત્યા કરી હતી. ગાયની ચોરી થવાની જાણ થતા પરિવારજન અને આજુબાજુના લોકોએ ગાયની શોધખોળ કરતા ગાય જંગલ વિસ્તારના પહાડોમાં મૃત હાલતમાં મળી હતી. ત્યારે સમગ્ર ઘટનાની જાણ દાંતા પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આરોપીઓની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.