
કમોસમી વરસાદથી શક્કરટેટી, તડબૂચ અને મરચાના પાકને નુકસાન
ડીસા સહિત બનાસકાંઠામાં ગઈ કાલે પડેલા કમોસમી વરસાદના કારણે બાગાયતી પાકોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. જેમાં ડીસા તાલુકાના વાસડા, રાણપુર સહિતના ગામોમાં શક્કરટેટી, તડબૂચ અને મરચાના પાકમાં અંદાજિત ૪થી ૫ કરોડ રૂપિયાનું નુકસાન થતા ખેડૂતોની હાલત કફોડી બની છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી બાગાયતી પાકનું વાવેતર વધ્યું છે. જેમાં આ વર્ષે ડીસા પંથકમાં ખેડૂતોએ શક્કરટેટી, તડબૂચ અને મરચાનું મોટા પાયે વાવેતર કર્યું હતું. પરંતુ ગઈકાલે કમોસમી કરા સાથેના વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે. ખાસ કરીને ડીસા તાલુકાના વાસડા રાણપુર સહિત આજુબાજુના ગામોમાં અંદાજિત ૫૦૦થી પણ વધુ એકર જમીનમાં શક્કરટેટી, તડબૂચ અને મરચાનાનું વાવેતર થયું હતું. પરંતુ વરસાદથી આ પાકોમાં ૮૦ ટકાથી વધુ નુકસાન થયું છે.
શક્કરટેટી અને મરચાનું વાવેતર ડીસા તાલુકામાં વધુ પ્રમાણમાં થાય છે. શક્કરટેટી ત્રણ માસનો બાગાયતી પાક છે અને ખેડૂતોને હેક્ટર દીઠ સવા લાખ રૂપિયા વાવેતરમાં ખર્ચ થતો હોય છે. શક્કરટેટી અને મરચાના પાક પર ખેડૂતોને સારો ભાવ મળવાની આશા હોય છે અને આ પાક થકી તેઓ પરિવારની જવાબદારી નિભાવતા હોય છે. પરંતુ કરા સાથે પડેલા કમોસમી વરસાદે ડીસા તાલુકાના વાસડા અને આસપાસના ગામોમાં ૪૦૦ હેક્ટર પાકમાં ૮૦ ટકા જેટલું નુકસાન કર્યું છે. ત્યારે હવે પાકમાં નુકસાન થતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.ખેડૂતોને શક્કરટેટી જેવા બાગાયતી પાકના વાવેતરમાં હેક્ટર દીઠ સવા લાખનો ખર્ચ થાય છે અને પાક તૈયાર થયા બાદ ખેડૂતને ચારથી પાંચ લાખ રૂપિયા મળતા હોય છે. પરંતુ કમોસમી વરસાદે આ ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે. ખેડૂતોની માગણી છે કે સરકાર આ વિસ્તારમાં સર્વે કરી અને સહાય આપે નહીં તો વારંવારના કમોસમી વરસાદ અને માવઠાએ ખેડૂતોની કમર ભાંગી નાખે છે.