
પાલનપુરના સુંઢા નજીકથી પસાર થતી પાણીની પાઈપલાઈનની કામગીરીમાં ખેડૂતોને નુકસાન, પૂરતુ વળતર ન મળતા ખેડૂતોમાં રોષ
બનાસકાંઠાના પાલનપુરના સુંઢા ગામ નજીકથી પસાર થતી સરકારની મહત્વકાંક્ષી યોજના કસરા- દાંતીવાડા પાણીની પાઈપલાઈનની કામગીરી દરમ્યાન ખેડૂતોને જમીન સંપાદન અને પાક નુકશાનીનું પૂરતું વળતર ન મળતું હોવાના આક્ષેપ સાથે ખેડૂતોએ આજે વિરોધ પ્રદર્ષિત કરી રોષ વ્યક્ત કર્યો હતો અને ચીમકી ઉચ્ચારી હતી કે તેમની માંગ નહિ સ્વીકારાય તો ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે.
ગુજરાત સરકાર દ્વારા પાણીની તંગી દૂર કરવા માટે વિવિધ યોજના હેઠળ કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે સરકાર દ્વારા પાણીની સમસ્યાને દૂર કરવા ગામેગામ તળાવ ભરવા માટે પાણીની પાઇપ લાઈનની કામગીરી શરૂ કરાઈ છે. બનાસકાંઠા જિલ્લામાં દિવસેને દિવસે પાણીના તળ ઊંડા જઈ રહ્યા છે. ત્યારે નર્મદા મુખ્ય નહેરની સિંચાઈ સુવિધાથી વંચિત રહેલા બનાસકાંઠાના પૂર્વ વિસ્તારોમાં સિંચાઈની વિશ્વસનીય વ્યવસ્થા ઊભી કરવા તેમજ ગામેગામ આવેલા તળાવો ભરવા સરકાર દ્વારા કસરાથી દાંતીવાડા 77 કિલોમીટર પાણીની પાઈપલાઈન કરોડના ખર્ચે નાખવાની જાહેરાત કરાઈ હતી. જે પાઈપલાઈન દ્વારા નર્મદા મુખ્ય નહેરમાંથી 300 ક્યુસેક પાણી લિફ્ટ કરીને બનાસકાંઠાના 4 તાલુકાના 73 ગામોનાં 156 તળાવો નર્મદાજળથી ભરાશે.
હવે આ પાઈપલાઈન નાખવાની કામગીરી શરૂ કરાઇ છે અને તાજેતરમાં આ પાણીની પાઇપ લાઈન નાખવાની કામગીરી આરંભાઈ છે. આ પાઇપલાઈન અનેક ખેડૂતોના ખેતરમાંથી પસાર થઇ રહી છે અને અનેક ખેડૂતોના ખેતરોમાં વાવેતર કરેલા મોઘામુલો પાક કાપી આ કામગીરી ચાલી રહી છે. ત્યારે પાલનપુરના સુંઢા ગામ નજીક આવેલા કેટલાક ખેતરોના પાક પણ કાપવામાં આવ્યા અને ખેડૂતોને થઈ રહેલા નુકશાનીની પરવા કર્યા વગર આ કામગીરી ચાલી રહી હોવાથી તેમજ. જે ખેડૂતોના ખેતરમાં પાકો કપાયા છે તે ખેડૂતોને પૂરતું વળતર ન અપાતું હોવાના આક્ષેપો સાથે ખેડૂતો આજે કામગીરી સ્થળે એકઠા થયા અને વિરોધ પ્રદર્ષિત કરી રોષ વ્યક્ત કર્યો હતો. ખેડૂતોને પૂરતા વળતર આપવાની માંગ કરી હતી.
ખેડૂતોનું કહેવું છે કે, આ પાઇપલાઈનને લઇ ખેડૂતોને જે વળતર ચૂકવવાની વાત હતી તેનાથી ઓછું વળતર ચૂકવવામાં આવી રહ્યું છે. જેની સામે અમારો વિરોધ છે અમારી માગણી છે કે સરકાર આ ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતી પાઇપલાઇનને લઈને યોગ્ય વળતર ચૂકવે નહિ તો અમે ખેડૂતો એકઠા થઈને ઉગ્ર આંદોલન કરીશું.