પાલનપુરના દલવાડા ગામે ગડદા પાટુંનો માર તેમજ મહિલાને ઇટ મારી મોત નિપજાવ્યું
રસ્તે ચાલવા બાબતે ગાળો બોલી ગામના જ યુવકે વૃદ્ધાનું ઢીમ ઢાળી દેતા ચકચાર
મૃતકના પુત્રે આરોપી વિરુદ્ધ ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી: પાલનપુર તાલુકાના દલવાડા ગામે રસ્તે ચાલવા જેવી નજીવી બાબતે ઉશ્કેરાયેલા એક યુવકે ગામની જ વૃદ્ધાને ગડદા પાટુંનો માર મારી તેમજ પીઠના ભાગે ઈંટ મારી મોત નીપજાવતા ચકચાર મચી જવા પામી છે. બનાવ અંગે ગઢ પોલીસ મથકે હત્યાનો ગુનો દાખલ થતા ગઢ પોલીસે આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
પાલનપુર તાલુકાના ગઢ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા દલવાડા ગામે રવિવારે બપોરના બાર વાગ્યાના સમયે 60 વાર્ષિય વૃદ્ધા રૂખીબેન જગમાલજી ઠાકોર રસ્તે પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન ગામના જ કિરણજી દિનેશજી ઉર્ફે ટીનાજી ઠાકોરે આ વૃદ્ધાને રસ્તે ચાલવા બાબતે ઝગડો કરી ભૂંડી ગાળો બોલી હતી. તેમજ ગડદા પાટુનો માર મારી તેમની પીઠના ભાગે ઈંટ મારતા વૃદ્ધાને ગંભીર ઇજાઓ થવાના કારણે તેમનું મોત નિપજતા ચકચાર મચી જવા પામી હતી. જોકે મૃતકની લાશ પીએમ અર્થે ચંડીસર સીએચસી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અને બનાવ અંગે મૃતકના પુત્ર રાજેશજી ઠાકોરે પોતાની માતાનું મરણ નીપજાવનાર દલવાડા ગામના કિરણજી ટીનાજી ઠાકોર વિરુદ્ધ ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ગઢ પોલીસે આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.