પાલનપુર ન્યુ બસ પોર્ટ ચા કેફેમાં તોડફોડ મામલે ક્રોસ ફરિયાદ
પાલનપુરના ન્યુ બસ પોર્ટમા તલવાર અને પાઇપો વડે ચા કેફે માં તોડફોડ કરવા મામલે કેફે ના માલિકે ૧૪ શખ્સો સામે નામજોગ ફરિયાદ દાખલ કરાવી હતી. આ મામલે પાલનપુર તાલુકાના બે ઇસમો સામે ક્રોસ ફરિયાદ દાખલ થઈ છે. જેમાં ત્રણ મિત્રો બસ પોર્ટ પર ચા કેફે બહાર ચા પિતા હતા દરમ્યાન ચા નો કપ પડી જતાં છાંટા ઉડ્યા હતા. જેને લઈને અહી બેઠેલા ત્રણ યુવકો ઉશ્કેરાઈ જઈ ગાળો બોલી કેફે માંથી ધોકો લાવી તેમના પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ દાખલ કરાવી છે.
અમીરગઢ તાલુકાના ચેખલા ગામનો વીસ વર્ષીય યુવક શનિવારે કોઈ કામથી પાલનપુર આવ્યો હતો અને સવારના દશ વાગ્યાના સમયે ન્યુ બસ પોર્ટ માં આવેલ યામુસ ટી કેફે આગળ પોતાના મિત્રો દેવેન્દ્રસિંહ ડાભી રહે.ધોરી તા. વડગામ અને યુવરાજસિંહ ચૌહાણ રહે. કરઝા વાળા સાથે ચા પીતા હતા. દરમ્યાન ચા નો કપ નીચે પડી જતા બાજુમાં બેઠેલા પાલનપુર તાલુકામાં લાલાવાડા ગામના દર્શિત રમેશભાઈ ચૌધરી અને મનીષ નરસંગભાઈ ચૌધરી તેમજ અન્ય એક પર ચાના છાંટા ઉડતા આ યુવકો ઉશ્કેરાઈ જઈ આ ત્રણ મિત્રોને માં બેન સામી ભૂંડી ગાળો બોલવા લાગતા આ યુવકોએ ગાળો બોલવાનું ના પાડતા તેઓ કેફેમાં પડેલ લાકડાનો ધોકો લાવી તેમને આડેધડ મારવા લાગતા ત્રણેય મિત્રોને ઈજાઓ પહોંચી હતી. જોકે બનાવના પગલે લોકો આવી જતા આ યુવકોએ ત્રણ મિત્રોને પાલનપુર દેખાયા છો તો જાન થી મારી નાખવાની ધમકી આપી હોવાની ઉજમસિંહ ચૌહાણએ પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી છે જેને લઈને પોલીસે બન્ને પક્ષે તપાસ હાથ ધરી છે. બસ પોર્ટમાં ચા કેફેમાં તોડ ફોડ મામલે બંને પક્ષે સામ સામે પોલીસ ફરિયાદ દાખલ થઇ છે. જેમાં કેફે માલિકે તેમની કેફેમાં તલવાર અને પાઇપો વડે તોડ ફોડ કરી બે ઇસમોને ઈજાઓ કરી હોવા અંગે ૧૪ ઇસમો સામે ફરિયાદ નોંધાવી હતી. જેની સામે અમીરગઢના ચેખલા ગામના યુવકે ચા કેફે પર ચાના છાંટા ઉડવા મામલે લાલાવાડા ના બે અને અન્ય એક યુવક દ્વારા તેમને ગાળો બોલી ધોકા ઓ વડે માર મારી જાન થી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે.