છાપી પંથકમાં કરોડોની રોયલ્ટી ચોરીનું કૌભાંડ
વડગામ તાલુકાના છાપી પંથકમાં સુજલામ સુફલામ યોજના હેઠળ કરોડોની માટી સગેવગે કરવાના સુઆયોજિત કૌભાંડ વિરુદ્ધ અનેક રજૂઆતો કરવામાં આવી રહી હોવા છતાં અધિકારીઓ અને એજન્સીઓના મેળાપણાથી સરકારને લાખો રૂપિયાની રોયલ્ટી ચોરી કરી ચુનો લગાડતા હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં સરકારની સુજલામ સુફલામ યોજનાના ઓથા હેઠળ સિંચાઇ વિભાગના કથિત ભ્રષ્ટ અધિકારીઓએ નિયમોને નેવે મૂકી ‘સેટિંગ સુફલામ’ યોજના બનાવી દીધાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. વડગામ તાલુકાના તેનીવાડા ગામે આવેલ તળાવમાં એસી ટકા પાણી હોવા છતાં નિયમોની ઐસીતૈસી કરી તળાવને સુજલામ સુફલામ યોજના હેઠળ ઊંડું કરવાની મંજૂરી આપી હોવાના ગંભીર આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. જ્યારે તળાવની માટી ખેતરો તેમજ રોડ રસ્તાના સમારકામના બદલે હાઇવે ઉપર આવેલ કોમર્શિયલ પ્લોટોમાં પુરાણ કરી કરોડોની ગેરરીતિ આચરવામાં આવી રહી છે અને સરકારને રોયલ્ટીનો ચુનો લગાવવામાં આવી રહ્યો છે. જ્યારે તેનીવાડા તળાવમાં લીલા ઝાડ કાપીની સગેવગે કર્યાના પણ આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે લીલા ઝાડ કાપવાની મજૂરી કોને આપી તેવા સવાલ ઉઠવા પામ્યા છે.
વડગામ તાલુકાના પીરોજપુરા, મેતા, શેરપુરા, તેનીવાડા સહિતના ગામ તળાવ ઊંડા કરી તેની માટી ક્યાં ક્યાં નાખવામાં આવી છે. તેનો સર્વે કરી રોયલ્ટી વસુલ કરવા અરજદારે ગાંધીનગર સિંચાઇ તેમજ ખાણખનિજ વિભાગમાં લેખિત રજુઆત કર્યાનું જણાવ્યું હતું.
છાપી હાઇવે વિસ્તારમાં આવેલ ગામોમાંથી મોટા પ્રમાણમાં માટી ચોરી કોમર્શિયલ જગ્યામાં પુરાણ કરી રોયલ્ટીની લાખોની ચોરી કરનાર તત્વો વિરુદ્ધ ભૂસ્તર વિભાગ કડક બની કાર્યવાહી કરશે કે પછી સેટિંગ કરી સરકારને રોયલ્ટીનો ચુનો ચોપડશે ?