
થરાદમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવતીનું સારવાર દરમિયાન મૃત્યુ
થરાદમાં બે દિવસ પુર્વે ટ્રક અને કાર ચાલકોની બેદરકારીનો ભોગ બનેલી યુવતીએ ગંભીર ઇજાના કારણે જીવનના જંગ સાથે લડતાં લડતાં સારવાર દરમિયાન કાયમના માટે આંખો મિંચી દેતાં પરિવાર અને પંથકમાં શોકની લાગણી પ્રસરવા પામી હતી. તેણીના પરિવાર અને સ્વજનો ભારે હૈયે પણ ઉમંગ સાથે જાન ગઇ જાણે અમારી જાન લઇને અને આજે સુનો માંડવડો ગીતની જેમ તેણીને આગામી મંગળવારે વાજતે ગાજતે વિદાય આપવાની તૈયારીઓ કરી રહ્યાં હતાં. પરંતુ એક ગોઝારા અક્સ્માતમાં ગંભીર રીતે ઘવાયેલી જીનલ પ્રવિણભાઇ બારોટ રહે. સુઇગામ (હાલ થરાદ) ૨૩ વર્ષીય યુવતીનું સારવાર દરમિયાન મૃત્યું થયું હતું. આથી આજે તે છેતરીને વિદાય લઇ લીધી જેવી લાગણીભરી સંવેદનાઓના કારણે ભારે કરૂણતાનો માહોલ પ્રસરવા પામ્યો હતો. આ બનાવ અંગે મેહુલકુમાર બાબુલાલ બારોટ રહે.પ્રગતિનગર થરાદ મુળ રહે નાળોદર તા.વાવની ફરિયાદના આધારે પોલીસે ટ્રેઇલર નંબર આર જે ૦૭ જીસી ૯૦૨૭ તથા વેગનઆર કારનંબર જીજે૦૮સીકે ૧૦૪૧ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંન્ને વાહનોના ચાલક સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.