ક્રિકેટપ્રેમી યુવકનું હાર્ટએટેકથી મોત ચા પીતાં-પીતાં ઢળી પડ્યો પરીવારમાં શોકનો માહોલ
થરાદમાં સાઢુને ત્યાં મળવા આવેલા યુવકનું આકસ્મિક મોત થતાં અરેરાટી, હાથાવાડાનો યુવાન સવારે સાડાઆઠે હાર્ટએટેકથી ચા પીતાં પીતાં ઢળી પડ્યો : થરાદમાં પોતાના સાઢુને ત્યાં મળવા આવેલા તાલુકાના હાથાવાડા ગામના અને હાલ પાલનપુર રહેતા યુવકનું સવારે જાગ્યા બાદ ચા પીતી વખતે એકાએક ઢળી પડતાં મૃત્યુ નિપજ્યું હતું. જો કે ક્રિકેટપ્રેમી યુવકનું મોતનું કારણ હાર્ટએટેક જાણવા મળતાં પંથક અને પરીવારમાં શોકનો માહોલ છવાયો હતો.
પ્રાપ્ય માહિતી મુજબ મુળ થરાદના હાથાવાડા ગામનો અને અત્યારે પાલનપુર રહેતો અબ્દુલશા જુમાશા જુનેજા નામનો 35 વર્ષીય યુવક થરાદમાં પોતાના સાઢુને ત્યાં મહેમાનગતિએ આવેલ હતો. જે શુક્રવારે સવારે આઠેક વાગ્યે જાગ્યા બાદ સાડા આઠના સુમારે ચા પિતી વખતે એકાએક ઢળી પડ્યો હતો. જેને તાબડતોબ સારવાર અર્થે ખાનગી હોસ્પીટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું મોત નિપજ્યું હતું. મૃત્યુનું કારણ હાર્ટએટેક હોવાનું તેમના સ્વજનોએ જણાવ્યું હતું.
નોંધનીય છેકે મૃતક યુવક અબ્દુલશાહ ક્રિકેટપ્રેમી પણ હતા. તેમણે અનેક ટ્રોફીઓ પણ જીતી હતી.તેમના અકાળે અવસાનને પગલે પંથક અને પરિવારમાં શોકની લાગણી પ્રસરવા પામી હતી. તેમની એક વર્ષની પુત્રી માથેથી પિતાની છાયા પણ ગુમાવા પામી હતી.