
ડીસા માર્કેટયાર્ડની મતદાર યાદી નોટિસ બોર્ડ પર ન લગાવતા વિવાદ
ડીસા માર્કેટયાર્ડની ચૂંટણી જાહેર થઈ ચુકી છે અને પ્રથમ મતદાર યાદી તા.૭.૨.૨૦૨૩ના પ્રસિદ્ધ કરવાની હતી પરંતુ નોટિસ બોર્ડ પર જોવા ન મળતા વિવાદ સર્જાયો હતો. ડીસા માર્કેટયાર્ડની ચૂંટણી ૨૪ જાન્યુઆરીએ જાહેર થઈ ચુકી છે અને મતદાર યાદી તૈયાર થયા બાદ ૭.૨.૨૦૨૩ ના રોજ઼ પ્રથમ યાદી પ્રસિદ્ધ કરવાની હતી જે ચૂંટણી અધિકારી જિલ્લા રજીસ્ટાર દ્વારા જાહેર કરી દેવામાં આવી હતી. જે યાદી જોવા માટે ડીસા મામલતદાર કચેરી, ડીસા તાલુકા પંચાયત અને ડીસા નાયબ કલેકટર કચેરીએ નોટિસ બોર્ડ પર પ્રસિદ્ધ કરવા મોકલી આપી હતી પરંતુ ડીસા મામલતદાર કચેરી કે તાલુકા પંચાયતમાં મતદાર યાદી નોટિસ બોર્ડ પર જોવા ન મળતા કેટલાક મતદારોએ ચૂંટણી અધિકારીનો સંપર્ક કર્યો હતો ત્યારે ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે મતદાર યાદી મોકલી દીધેલ છે અને નોટિસ બોર્ડ પર લગાવે કે ન લગાવે તે જેતે અધિકારીના હાથમાં છે. આ બાબતે ડીસા મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદાર દિપક ગઢવીને પૂછતાં જણાવ્યું હતું કે મતદાર યાદી આવી ગયેલ છે જે મામલતદારને જોવા માટે ટેબલ પર મોકલી આપી છે જોકે યાદી મોટી હોવાથી નોટિસ બોર્ડ પર લાગી શકે તેમ નથી પરંતુ ઓફિસમાં મુકવામાં આવી છે જેતે મતદાર આવીને યાદી ચેક કરી શકે છે. જોકે તાલુકા પંચાયતમાં તપાસ કરતા કોઈ અધિકારી કે કર્મચારી મળી ન આવતા મતદાન યાદી કેમ પ્રસિદ્ધ નથી કરાઈ ? તેની વિગત જાણી શકાઈ ન હતી. જોકે મતદારોની પ્રથમ યાદી નોટિસ બોર્ડ પર જોવા ન મળતા મતદારોએ અનેક શંકાઓ વ્યક્ત કરી હતી.