
કોંગ્રેસ મન કી બાત નહિ, જન જનની વાત કરશે : અમિત ચાવડા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ ગુજરાત સ્થાપના દિને લોકોની વ્યથા -વેદના સાંભળી તેના નિકાલની નેમ સાથે બનાસકાંઠામાંથી જન મંચ કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો. પાલનપુર ખાતે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને વિપક્ષના નેતા અમિત ચાવડાએ લોકોના પ્રશ્નો સાંભળી તેના યોગ્ય નિકાલની ખાત્રી આપી હતી. રાજ્યની ભાજપ સરકારના રાજમાં મુઠ્ઠીભર લોકો મુઠ્ઠીભર લોકો માટે સરકાર ચલાવી રહ્યા છે. ત્યારે લોકોની વ્યથા અને વેદનાને વાચા આપવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા “જન મંચ” કાર્યક્રમનો પ્રારંભ કરાયો છે. કોંગ્રેસ દ્વારા એક વર્ષમાં ૨૫૦ તાલુકા મથકે જઈ જન મંચ કાર્યક્રમ થકી લોકોના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ માટે લડત આપશે. કોંગ્રેસ મન કી બાત નહિ પણ જન જન ની વાત કરશે તેવો દાવો વિપક્ષના નેતા અમિત ચાવડાએ કર્યો હતો. ભાજપના રાજમાં શિક્ષણનું વ્યાપારી કરણ, બેરોજગારી સાથે દારૂ- જુગાર ની બદીઓ વચ્ચે ગુના ખોરીનો ગ્રાફ વધતો જાય છે. લોકોની રાડ- ફરિયાદ કોઈ સાંભળતું નથી. ત્યારે કોંગ્રેસે મંચ પૂરો પાડી લોકોની વેદનાને જનસભા થી વિધાનસભા સુધી પહોંચાડવાની ખાતરી પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે આપી હતી. જાેકે, જન મંચ કાર્યક્રમમાં લોકોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં દારૂ-જુગાર, ટ્રાફિક, પાણી ની સમસ્યા અને એનિમલ ૧૦૮ ચાલુ કરવા સહિતના પ્રશ્નો લોકોએ રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, વિપક્ષના નેતા અમિત ચાવડા, ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જીગ્નેશ મેવાણી, પૂર્વ સાંસદ અલકાબેન ક્ષત્રિય, પ્રદેશ પ્રવક્તા હેમાંગ રાવલ, ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, પૂર્વ ધારાસભ્યો સહિત જિલ્લા અને તાલુકા કોંગ્રેસના પદાધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના જન મંચ કાર્યક્રમમાં ૨૫૦ જેટલા પ્રશ્નો લોકોએ રજૂ કર્યા હતા. ત્યારે કોંગ્રેસ લોકોની વેદનાને વાચા આપતો જન મંચ કાર્યક્રમ કેટલો કારગત નીવડશે તે તો આવનારો સમય જ બતાવશે.