ધાનેરામાં કોંગ્રેસ પ્રતિનિધિ મંડળ પાણીથી અસરગ્રસ્ત ગામોની મુલાકાતે
(રખેવાળ ન્યૂઝ)ધાનેરા, બનાસકાંઠા જિલ્લાના જડિયા ગામમાંથી પાણીનું વહેણ પસાર થતા વેપારધંધા સાથે દૂધમંડળી તેમજ શૈક્ષણિક સંસ્થાઓને પણ વર્તમાનમાં ભારે નુકશાન પહોંચ્યું છે.ત્યારે બીજીતરફ સરકાર અને સરકારી તંત્ર સર્વેની કામગીરીમા જોતરાયું છે.ત્યારે આજે પાણીથી થયેલ નુકશાની જોવા માટે કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ જડિયા ગામ ખાતે આવી નુકશાનીનો તાગ મેળવવાની કોશિશ કરી રહ્યુ હતુ. ત્યારે પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર,દાંતા-વાવના ધારાસભ્ય,ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલ તેમજ કોંગ્રેસના નેતાઓએ જડિયા ગામની હાઇસ્કુલમા પ્રજાના પ્રશ્નોને સાંભળ્યા હતા.
આમ તો ધાનેરા તાલુકામાં વર્ષ ૨૦૧૫ અને વર્ષ ૨૦૧૭માં પણ પુર હોનારત થઈ હતી.જેમાં ભારતીય જનતા પાર્ટીની વિજય રૂપાણી સરકારે ઝડપી મદદની સાથે આર્થિક મદદમા કોઈ પાર રાખ્યો ન હતો.
જોકે વર્ષ ૨૦૨૩માં સરકારી ચોપડે જે ૨૪ ગામોમા પાણીએ વિનાશ કર્યો છે તેજ ગામોમા આજે ૮ દિવસ થવા આવ્યા હોવાછતાં આર્થિક રીતે કોઈ મદદ પ્રજાને મળી નથી.ત્યારે આ વિસ્તારની પ્રજાની શું સ્થિતિ હશે તે વિચારવા જેવી બાબત છે? જેમાં હજુસુધી એકપણ પરિવારને સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી કેસડોલ પણ ચૂકવાઈ નથી.આ સાથે પાણીનાં વ્હેણમાં પશુઓ તણાઈ જતા વેટેનરી તબીબો મરેલા પશુઓ અંગે સહાયની માંગ કરી રહ્યા છે.
તેવા સમયે આજે કોંગ્રેસના પ્રતિનિધિમંડળ આગળ ધાનેરાના પૂર્વ ધારાસભ્યે પણ રજૂઆત કરી હતી કે તાલુકાના ૨૪ ગામો અસરગ્રસ્ત ગામો તરીકે લેવાતા તાલુકાના અન્ય ગામોને કોઈ લાભ મળે તેમ નથી.
જેમાં નદીકાંઠે તેમજ પાણીનાં વહેણ નજીક આવેલા ગામોમા પણ સરકાર સહાય પૂરી પાડે તે માટે રજૂઆત થઈ હતી.આમ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની પ્રજાની રજૂઆત સરકાર સુધી પહોચાડવા માટે આજે એક પછી એક પ્રશ્નો ગ્રામજનો દ્વારા રજૂ કરવામાં આવ્યા છે.જેમાં ધાનેરા તાલુકા ખરીદ વેચાણ સંઘના વાઇસ ચેરમેન જીવાભાઈ દેસાઈએ તાલુકાના અન્ય ગામો કે જ્યાં પાણીએ ખેડૂતોને ભારે નુકશાન કર્યું છે એ વિસ્તારનો અસરગ્રસ્ત વિસ્તાર તરીકે સમાવેશ કરવા રજૂઆત કરી હતી.જેમા તાલુકાના જડિયા અને ભાટીબ ગામ ખાતે ભાટીબ ગામના પાણીના વહોળા નજીક આવેલા ખેતરોને ભારે નુકશાન થયું છે.
જ્યાં પાકા મકાન સાથે પશુઓના તબેલા તેમજ મોટા પ્રમાણમા ખેતરો પણ ધોવાઈ ગયા છે.જેના કારણે આ વિસ્તારના લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.ત્યારે આ વિસ્તારના લોકોએ કોંગ્રેસના નેતાઓ આગળ લેખિતમા તેમજ મૌખિક રજૂઆત કરી હતી.તેવા સમયે કોંગ્રેસ પક્ષના પૂર્વ પ્રમુખે ધાનેરા તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારોની સાચી હકીકત ગુજરાત સરકાર સમક્ષ રજૂ કરવા અંગે જણાવ્યું હતું.
આ સાથે તેઓએ કહ્યું હતું કે ચાલુ વર્ષ દરમિયાન સરકાર તરફથી ઢીલી કામગીરી હોવાથી હજુસુધી જોઈએ તેવી મદદ મળી નથી જે એક ગંભીર બેદરકારી માનવામાં આવે છે.આમ આ બાબતે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પણ વિધાનસભાના સત્ર દરમિયાન સરકાર સામે ખેડૂતો વતી રજૂઆત કરવાનું જણાવ્યું હતું.