બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાને લઈને કોંગ્રેસ-ભાજપ આમને- સામને
બનાસકાંઠા જિલ્લાના પોલીસ વડા રાજકીય ઈશારે કામ કરી રહ્યા હોવાના આક્ષેપો સાથે કોંગ્રેસે તેઓની સામે મોરચો માંડ્યો છે. ત્યારે કોંગ્રેસ બુટલેગરોને છાવરી રહી હોવાના આક્ષેપો સાથે ભાજપે જિલ્લા પોલીસ વડાને સમર્થન આપતા બનાસકાંઠા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે.બનાસકાંઠા જિલ્લાના એસ.પી અક્ષયરાજ મકવાણા રાજકીય ઈશારે કામ કરી રહ્યા હોવાના આક્ષેપો ગતરોજ કોંગ્રેસના મહિલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કર્યા હતા. જિલ્લા પોલીસ વડા સત્તાનો દૂર ઉપયોગ કરી કોંગ્રેસ અગ્રણીઓને ખોટા કેસમાં ફસાવી રહ્યા હોવાના આક્ષેપો સાથે કોંગ્રેસના ધારાસભ્યો સહિતના પ્રતિનિધિ મંડળે ગતરોજ કલેકટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું. કોંગ્રેસે જિલ્લા પોલીસવડા સામે મોરચો માંડ્યો છે. ત્યારે ભાજપે જિલ્લા પોલીસ વડાનું સમર્થન કરતા પોલીસની કામગીરીને બિરદાવી હતી. કોંગ્રેસ બુટલેગરોને બચાવવા પોલીસ પર દબાણ કરી રહી હોવાના આક્ષેપો બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ કર્યા હતા.દરમિયાન, જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ કોંગ્રેસના આક્ષેપોને રદિયો આપતા જણાવ્યું હતું કે, પોલીસ ધર્મ, જાતિ કે પોલિટિક્લ પાર્ટીથી ઉપર ઉઠીને નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરી રહી છે.આમ, બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા પોલીસ વડાની કામગીરીને લઈને કોંગ્રેસ-ભાજપ આમને-સામને આવી જતા જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે