જય અર્બુદાના ગગનભેદી જયઘોષ સાથે ૧૦૮ કુંડી સહસ્ત્ર ચંડી યજ્ઞની પૂર્ણાહુતિ

બનાસકાંઠા
બનાસકાંઠા

(રખેવાળ ન્યૂઝ)પાલનપુર, પાલનપુરમાં બનાસકાંઠા આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ શૈક્ષણિક સંસ્થા પરિસરમાં સ્વામી સચ્ચિદાનંદની પ્રેરણાથી આકાર પામેલા અર્બુદા ધામને ૨૫ વર્ષ પૂર્ણ થતાં રજત જયંતિ મહોત્સવનું આયોજન કરાયું હતું. જે ત્રિ-દિવસીય રજત જયંતિ મહોત્સવ આજે નિર્વિઘ્ને સંપન્ન થયો હતો. જય અર્બુદાના ગગનભેદી જયઘોષ સાથે હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા વચ્ચે લાલાવાડા ખાતે ૧૦૮ કુંડી સહસ્ત્ર ચંડી યજ્ઞની પૂર્ણાહુતિ થઈ હતી. આ ત્રિ-દિવસીય મહોત્સવમાં ૧૦ લાખ લોકોએ માં અર્બુદા ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી.

વિશ્વ કલ્યાણ, વિશ્વ શાંતિ અને સમાજ ઉત્કર્ષની ભાવના સાથે યોજાયેલા માં અર્બુદા રજત જયંતિ મહોત્સવ અંતર્ગત પાલનપુરના લાલાવાડા ખાતે ૧૦૮ કુંડી સહસ્ત્ર ચંડી યજ્ઞની આજે પૂર્ણાહુતિ થઈ હતી. ત્રણ દિવસમાં ૧૦ લાખથી વધારે લોકોએ માં અર્બુદાના યજ્ઞના દર્શન કર્યા હતા. જ્યારે આઠેક લાખ લોકોએ ભોજન પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી. ત્યારે કોઈપણ પ્રકારના વિઘ્ન વગર આ મહાયજ્ઞ નિર્વિઘ્ને સંપન્ન થયો હતો.

૪૫ દિવસ અગાઉ માં અર્બુદાના ૧૦૮ કુંડી સહસ્ત્ર ચંડી મહાયજ્ઞની તૈયારીઓ શરૂ કરાઈ હતી. ચૌધરી સમાજના કુળદેવી અર્બુદા માતાના યજ્ઞને લઈને ચાર દિવસ ચાલેલા યજ્ઞના કાર્યક્રમમાં ૧૦ લાખથી વધુ દર્શનાર્થીઓએ અર્બુદા દર્શન કર્યા હતા. સાતમાળની બનાવેલી યજ્ઞશાળામાં સતત ત્રણ દિવસ સુધી ૫૫૧ બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે ૧૫૦૦ યજમાનોએ આ યજ્ઞમાં આહુતિ આપી હતી. અને આજે વૈદિક મંત્રોચ્ચાર સાથે શ્રીફળ હોમી પૂર્ણાહુતિ કરાઈ હતી. ત્યારે હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરતા લોકોએ માં ના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.

ત્રણ દિવસ ચાલેલા ૧૦૮ કુંડી સહસ્ત્ર ચંડી મહાયજ્ઞમાં ગુજરાતના ગવર્નર આચાર્ય દેવવ્રત, ગુજરાત વિધાનસભા ના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી, ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત, અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરી, વિપક્ષના નેતા અમિત ચાવડા સહિત ભાજપ- કોંગ્રેસના નેતાઓ તથા ગુજરાત, રાજસ્થાન, દિલ્હી, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ સહિતના ચૌધરી સમાજના લોકો સહિત સર્વ સમાજના લોકો આ યજ્ઞના દર્શનાર્થે આવ્યા હતા. સાત માળની યજ્ઞશાળા ઉપરાંત ૧૦૦ વીઘામાં પાર્કિંગની વ્યવસ્થા કરાઈ હતી. જ્યારે એક સાથે ૨૦,૦૦૦ લોકો ભોજન પ્રસાદ લઈ શકે તેવી વ્યવસ્થા પણ કરાઇ હતી. જ્યારે લોકોની સલામતીને લઈને ૧૫ હજાર જેટલા સ્વયંસેવકો અને પોલીસે ફરજ બજાવી હતી. આવનાર દર્શનાર્થીઓ માટે ચા- પાણી અને પગરખા કેન્દ્રની વ્યવસ્થા સહિત એક નાની હોસ્પિટલ પણ ઉભી કરાઇ હતી. ત્યારે દર્શનાર્થીઓએ નિર્વિદને મા અર્બુદા ના યજ્ઞ ના દર્શન કર્યા હતા. આ મહાયજ્ઞ માં શિક્ષણ, વ્યસન મુક્તિ અને સામાજિક એકતા પર ભાર મુકાયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.