
માલણના યુવક પાસે વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરતા ફરિયાદ
(રખેવાળ ન્યૂઝ) પાલનપુર તાલુકાના માલણ ગામના એક યુવકને પાંચ વર્ષ અગાઉ સામાજિક કામ માટે પૈસાની જરૂરિયાત પડતા તેને પાલનપુરમાં વ્યાજે નાણાં આપતા ત્રણ ઈસમો પાસેથી ૧૦ ટકા વ્યાજ ઉપર રૂ. ૫૦,૦૦૦ લીધા હતા. જેના બદલામાં આ યુવકે વ્યાજખોરોને બે લાખ રૂપિયા જમા કરાવ્યા હોવા છતાં વ્યાજખોરોએ મૂડી અને વ્યાજની વસુલાત કરવા માટે યુવકના ઘરે જઈ પઠાણી ઉઘરાણી કરી પૈસા નહિ આપે તો પતાવી દેવાની ધમકી આપતા યુવકે ત્રણ વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પાલનપુર તાલુકાના માલણ ગામનો વતની અને પાલનપુરમાં ખાનગી ફાઈનાન્સ કંપનીમાં નોકરી કરતા વિષ્ણુ ઉર્ફે દિનેશભાઈ રાવલ ને વર્ષ ૨૦૧૮ માં સામાજિક કામ અર્થે પૈસાની જરૂરિયાત પડતા તેઓ રૂપપુરા ગામના આશિષભાઈ જેસંગભાઈ ચૌધરી, ચિત્રાસણી ગામના હરેશભાઈ બાબુ ભાઈ રાવળ અને ચડોતર ગામના કિરણકુમાર દિનેશભાઈ પાતાણી પાસે રૂ. ૫૦,૦૦૦ ઉછીના માંગ્યા હતા પણ આ લોકો જણાવ્યું હતું કે, તેઓ ઉછીના પૈસા આપતા નથી. ૧૦ ટકા વ્યાજે પૈસા આપીએ છીએ. જેથી યુવકે સહી કરેલ ત્રણ ચેક પર દર પંદર દિવસે પાંચ હજાર વ્યાજ લેખે ૫૦ હજાર વ્યાજે લીધા હતા. બાદમાં તબક્કાવાર લીધેલ નાણા ૫૦,૦૦૦ સામે ૨ લાખ રૂ.જમા કરાવ્યા હોવા છતાં આ ત્રણેય વ્યાજખોર આ યુવકના ઘરે જઈ મૂડી અને વ્યાજની પઠાણી ઉઘરાણી કરી પૈસા નહિ આપે તો પતાવી દેવાની ધમકી આપતા આખરે યુવકે વ્યાજખોરો સામે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વ્યાજખોરો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.