
વડગામના નાવીસણાના તલાટીએ અરજદાર મહિલાને બીભત્સ મેસેજ કરતા ફરિયાદ
વડગામ તાલુકા નાવિસણા ગામના તલાટીએ આવકનો દાખલો લેવા ગયેલી મહિલાને વોટ્સપ પર બિભત્સ મેસેજ કરી જાતીય માંગણી કરતા મામલો પોલીસ થાણે પહોંચ્યો હતો. પાલનપુર શહેર પૂર્વ પોલીસે તલાટી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વડગામ તાલુકાના નાવિસણા ગામના રહેવાસી અને હાલમાં પાલનપુરના પ્રગતિ સોસાયટીમાં રહેતી ૩૬ વર્ષીય વિપ્ર સમાજની મહિલાનો પતિ આર્મી માં ફરજ બજાવે છે. જે હાલમાં શ્રીનગર ખાતે ફરજ બજાવે છે. જોકે, અરજદાર મહિલાને આવકના દાખલા ની જરૂર હોઇ તે નાવિસણા ગ્રામ પંચાયત કચેરીએ ગઈ હતી. પરંતુ તલાટી હાજર ન હોઈ તેમનો મોબાઈલ નંબર મેળવી સંપર્ક કરતા તલાટી વડગામ હોઈ અરજદાર મહિલા વડગામ ગઈ હતી. ત્યારે તલાટી લવજીભાઈએ બીજા દિવસે દાખલો લઈ જવાનું કહેતા અરજદાર મહિલા પાલનપુર પોતાના ઘેર આવી ગઈ હતી. દરમિયાન, તલાટીએ અરજદાર મહિલાને વોટ્સપ પર બીભત્સ મેસેજ કર્યા હતા. જેમાં અરજદાર મહિલા પાસે જાતીય માંગણી કરતા અરજદાર મહિલાએ પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશન ખાતે નાવિસણા ગામના તલાટી લવજી ભાઈ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.