
પાલનપુરમાં બારોબાર મકાન વેચી રૂ.૨૧.૮૭ લાખની છેતરપિંડીની ફરિયાદ
પાલનપુરના એંગોલા રોડ પર દેવર્ષિ સોસાયટીમાં રહેતા નિવૃત દંપતિ સાથે બે ગઠિયાઓએ વિશ્વાસઘાત કરી અન્યની માલિકીનું મકાન બારોબાર વેચી મારી રૂ.૨૨.૮૧ લાખની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશને નોંધાઇ છે. પાલનપુર શહેરના એંગોલા રોડ પર દેવર્ષિ સોસાયટીમાં રહેતા ૫૬ વર્ષીય પુષ્પાબેન નારાયણસિંહ પરમાર ૨૦૧૪માં જી.ઇ.બી.માંથી નિવૃત થયેલા પોતાના પતિ સાથે રહે છે. આ નિવૃત દંપતિ ભાડાના ઘરમાં રહેતા હતા. જોકે, પતિ સેવા નિવૃત થતા ગ્રેજ્યુટી સહિતના નાણાં આવતા તેઓએ પોતાની માલિકીનું ઘર લેવાનો ર્નિણય કર્યો હતો. જેથી તેઓએ ૨૦૧૯ માં દેવર્ષિ સોસાયટી બનતી હોય ત્યાં મકાન જોવા સાઈડ પર ગયા હતા. જ્યાં સ્થળ પર હાજર જુવાન સિંહ ઉર્ફે જગદીશભાઈ લાલજીભાઈ ઠાકોર રહે. દિલ્હીગેટ, માળી વાસ, પાલનપુર અને સુરેશભાઈ ચહેરા ભાઈ જરમોલ રહે.ચડોતર તા. પાલનપુર વાળા મળ્યા હતા. જેઓએ પોતાની સ્વતંત્ર માલિકીની જમીનમાં મકાનો બનાવતા હોવાનું જણાવી નિવૃત દંપતિનો વિશ્વાસ કેળવી તેઓને મકાન નં.૮૧/૧ તા.૯-૯-૨૦૧૯માં રૂ.૨૨,૮૧,૦૦૦ માં વેચાણ આપી રૂ.૭ લાખ ટોકન પેટે લઈ બાનાખત પણ કરી આપ્યું હતું. બાદમાં આ બન્ને લોકોએ અલગ અલગ તારીખોએ રોકડ રકમ અને ચેકથી આ નિવૃત દંપતી પાસેથી મકાનના વેચાણ પેટે રૂ.૨૧,૮૭,૦૦૦ લીધા હતા. બાદમાં નિવૃત દંપતિએ મકાનનો કબ્જો માંગતા તેઓને માર્ચ-૨૦૨૧માં કબ્જો સોંપતા તેઓ મકાનમાં રહેવા ગયા હતા. દરમિયાન, નિવૃત દંપતિએ દસ્તાવેજ કરી આપવાનો આગ્રહ કરતા બન્ને જણા બહાના બતાવી વાત ટાળી દેતા હતા. જોકે, ડિસેમ્બર-૨૦૨૧માં એક દિવસે પાલનપુરની બ્રિજેશ્વર કોલોની માં રહેતા તેજસ વસંતભાઈ પરમાર (માળી)નો ફોન આવતા ભાંડો ફૂટ્યો હતો. જેમાં આ મકાન તેજસભાઈ પરમારની માલિકીનું હતું. અને તેઓને માસિક રૂ.૫,૦૦૦ના ભાડે અપાયું હોવાનું બહાર આવ્યું હતું.