ડીસાની યાવરપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ૪.૪૭ લાખની ઉચાપતની ફરીયાદ

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા તાલુકાના યાવરપુરા ગામે દૂધ ઉત્પાદક મંડળીના મંત્રીએ પશુપાલકોના ૪.૪૭ લાખ રૂપિયાની ઉચાપત કરી હોવાની ઘટના સામે આવી છે. જેને મંડળીના ચેરમેને મંત્રી વિરુદ્ધ છેતરપીંડી, વિશ્વાસઘાત અને ઠગાઈની ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે તપાસ હાથ ધરવામાં આવી છે. યાવરપુરા દુધ મંડળીમાં ૧૯/૧૧/૨૦૧૮ના રોજ વ્યવસ્થાપક કમિટીએ ઠરાવ કરી મંત્રી તરીકે દિનેશ સુથારની નિમણૂંક કરી હતી અને ત્યારથી મંડળીમાં તમામ વહીવટની કામગીરી, નાણાંકીય લેવડદેવડ તેમજ ડેડ સ્ટોક, દફતર અને સિલક સ્ટોકની જવાબદારી પણ તેઓ સંભાળતા હતા. ત્યારબાદ ૦૨/૧૦/૨૦૨૧ના રોજ દિનેશ સુથારને છૂટા કરતા તેમણે મંડળીના તમામ હિસાબો વ્યવસ્થાપક કમિટીને રજૂ કર્યા હતા. જેમાં તમામ હિસાબો બાદ ૪.૪૭ લાખ રૂપિયાની સિલક હાથ પર રહેતી હતી. જે સિલક વ્યવસ્થાપક કમિટી અને ચેરમેને બેંકમાં જમા કરવાનું જણાવ્યું હતું. તેમ છતાં પણ મંડળીના મંત્રીએ આજ દિન સુધી બાકી નીકળતી સિલક બેંકમાં જમા કરાવેલા નથી. તે દરમિયાન પાલનપુર સહકારી મંડળીઓના સ્પેશિયલ ઓડીટર દ્વારા ઓડિટ કરાવવામાં આવ્યું હતું અને ઓડિટ બાદ ઉચાપત જણાતા જિલ્લા રજિસ્ટ્રારે વ્યવસ્થાપક કમિટી અને ચેરમેનને ઉચાપત કરનાર મંત્રી સામે ફરિયાદ નોંધાવવા માટે લેખિત જાણ કરી હતી. જે મુજબ યાવરપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેન જબરાજી રાજપૂતે ફરજ દરમિયાન ગેરકાયદેસર રીતે પશુપાલકોના પૈસાની ઉચાપત કરી વિશ્વાસઘાત અને ઠગાઈ કરનાર મંત્રી સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.