પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર સામે હાઇકોર્ટમાં ફરિયાદ

બનાસકાંઠા
બનાસકાંઠા

મિલ્કત ટ્રાન્સફર કેસમાં ચીફ ઓફિસરના મનસ્વી નિર્ણય સામે વેપારીએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા

ચીફ ઓફિસરના વાણી, વર્તન અને વ્યવહારથી ભાજપની છબી ધુમિલ થતી હોવાની રાવ: ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકાના વર્તમાન શાસકોને કોરાણે મૂકી પાલિકાના સર્વેસર્વા બની બેઠેલા ચીફ ઓફિસર સામે આખરે હાઇકોર્ટમાં ફરિયાદ થતા ચકચાર મચી જવા પામી છે. એક વેપારીની મિલ્કત ટ્રાન્સફરની અરજી પરત્વે મનસ્વી વર્તન કરી અરજી ટલ્લે ચડાવનારા ચીફ ઓફિસર સામે રજૂઆતો કરીને હારી થાકીને કંટાળેલા વેપારીએ આખરે હાઇકોર્ટના દ્વાર ખખડાવતા મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ, પાલનપુરના વેપારી અતુલ ભાઈ ગુપ્તાએ ત્રણ દુકાનો ખરીદી હતી. જે મિલ્કત ટ્રાન્સફર કરવા માટે તેઓએ 27 ડિસેમ્બર 2023 ના રોજ અરજી આપી હતી. જે અરજી પર કોઈ જ કાર્યવાહી ન થતા વેપારી અતુલભાઈ ગુપ્તાએ વારંવાર ઉઘરાણી કરતા અરજી ઓ કરી હતી. જોકે, જવાબ ન મળતા તેઓએ માહિતી અધિકાર તળે મિલકત ટ્રાન્સફર અંગેના નિયમો વિશેની માહિતી માંગતા પાલિકાએ જણાવ્યું હતું કે, પાલિકાના 2005 ના ઠરાવ નં.64 મુજબ રહેણાંક વિસ્તારમાં 1% અને બિન રહેણાંક વિસ્તારમાં 2% મિલકત ટ્રાન્સફર ફી ભરવાની થતી હોય છે. જેથી વેપારીએ તમામ સાધનિક કાગળો સાથે ટ્રાન્સફર ફી પેટે ચેક પણ મોકલી આપ્યો હતો. છતાં કોઈ કાર્યવાહી કરવાને બદલે વેપારીને હેરાન કરવાના ઇરાદે નોટિસો મોકલવામાં આવી હોવાના આક્ષેપો વેઓરીએ કર્યા હતા. જોકે, વારંવારની અરજી ઓ, વિનંતીઓ, કાકલુદીઓ છતાં ચીફ ઓફિસરે મિલ્કત ટ્રાન્સફર ન કરતા આખરે વેપારીને પોતાની મિલ્કત ટ્રાન્સફર કરી નામે કરાવવા માટે હાઇકોર્ટના દ્વાર ખખડાવી પિટિશન દાખલ કરવાની ફરજ પડી છે. આમ, પાલિકાના ચીફ ઓફિસરના મનસ્વી વલણને પગલે વેપારીએ હાઇકોર્ટમાં ફરિયાદ દાખલ કરતા સમગ્ર મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

પાલિકામાં બાબુ રાજ..! ભાજપ શાસિત પાલનપુર નગર પાલિકામાં પદાધિકારીઓને પણ સરકારી બાબુઓ ગાંઠતા ન હોવાની રાવ ઉઠી છે. પાલિકાના ચીફ ઓફિસરની સરમુખત્યાર શાહી સામે પીડિત વેપારીએ પાલિકા પ્રમુખ, સ્થાનિક ધારાસભ્ય, જિલ્લા ભાજપ પ્રમુખ સહિત સંગઠનમાં પણ રજુઆત કરી હોવા છતાં પરિણામ મળ્યું નથી. જેથી ના-છૂટકે વેપારીને હાઇકોર્ટ સુધી લાંબા થવાની મજબુર બનવું પડ્યું છે. પાલિકામાં સરકારી બાબુઓનું રાજ ચાલતું હોવાની વાતને ખુદ શાસક પક્ષના નગરસેવકો પણ અંદરખાને સમર્થન આપી રહ્યા છે. પાલિકાનો વહીવટ સી.ઓ.ના રિમોટ કંટ્રોલ થી ચાલતો હોવાનો ગણગણાટ વચ્ચે નગરસેવકો પણ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે શુ ચીફ ઓફિસર પાલિકાના સત્તાધીશો સહિત ભાજપ માટે દુઝણી ગાય છે કે શું? કેમ ભાજપ આવા ચીફ ઓફિસરને કેમ છાવરે છે તે સવાલ નગરસેવકો સહિત નગરજનોને સતાવી રહ્યો છે.

દુઃખે છે પેટ અને કુટે છે માથું??? ભાજપ શાસિત પાલનપુર નગર પાલિકાના પદાધિકારીની જેમ વર્તતા ચીફ ઓફિસર નવનીત પટેલ સામે બળાપો ઠાલવતા પીડિત વેપારીએ જણાવ્યું હતું કે, અગાઉ આજ સર્વે નંબરમાં સેઇમ સ્થળ સ્થિતિ ધરાવતી એક મિલ્કત ટ્રાન્સફર કરવામાં આવી છે. ત્યારે એકજ પરિસ્થિતિમાં વિરોધાભાસી નિર્ણયો કરવા પાછળ સી.ઓ.ને દુઃખે છે પેટ અને ફૂટે છે માથું એવી આશંકા પણ વ્યક્ત થઈ રહી છે. આ કેસમાં 5 આંકડાની રકમની લેતી દેતીનો મામલો પણ ચર્ચાસ્પદ બન્યો છે. ત્યારે એક કર્મચારીનો તો ભોગ પણ લેવાયો હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે. આમ, પાલિકામાં પ્રવર્તતી અમલદારશાહી વચ્ચે ઉઘાડી લૂંટ ચલાવાતી હોવાની રાવ વચ્ચે ભાજપની રહીસહી ઈજ્જત ધૂળધાણી કરતા કર્મચારીઓ-અધિકારીઓ પર લગામ કસવામાં આવે તેવી લાગણી વ્યક્ત થઈ રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.