વડગામ ના જલોત્રા ગામે ત્રણ માસ પૂર્વે યોજાયેલ બાળ વિવાહ અંતર્ગત પાંચ લોકો સામે ફરિયાદ
બાળ વર-વધુ ના માતા-પિતા સહિત દાદી સામે વડગામ પોલીસ મથકે અધિકારીએ ફરિયાદ નોંધાઇ: વડગામ તાલુકા ના જલોત્રા ગામે ત્રણ માસ પૂર્વે યોજાયેલ બાળ લગ્ન અંતર્ગત બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ બાળ વર-વધુ ના માતા પિતા સહિત દાદી સામે ગુરુવારે વડગામ પોલીસ મથકે બાળ પ્રતિબંધક અધિકારી દ્રારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેને લઈ બાળ વિવાહ કરતા લોકો માં ચકચાર મચી જવા પામી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ વડગામ તાલુકા ના જલોત્રા ગામે રહેતા વિષ્ણુભાઈ ઓડ એ તેઓની ૧૫ વર્ષીય બાળકી ના લગ્ન સમી જિલ્લો પાટણ ના ૨૦ વર્ષીય બાળક સાથે ગત તારીખ ૯/૭/૨૦૨૪ ના રોજ કર્યા હતા.આ બાળ વિવાહ ને લઈ એક જાગૃત નાગરિકે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ની કચેરી એ ટેલિફોન કરી ફરિયાદ નોંધાવી હતી.જેથી બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી દ્રારા તપાસ હાથ ધરી જન્મ ના પ્રમાણ પત્રો મેળવતા બાળકી ની ઉમર ૧૫ વર્ષ તેમજ બાળક ની ઉંમર ૨૧ વર્ષ કરતા ઓછી જણાતા અધિકારી દ્રારા બાળ વર-વધુ ના માતા-પિતા તેમજ મદદ કરનાર દાદી સામે બાળ વિવાહ પ્રતિબંધક કાયદા હેઠળ વડગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બાળ વિવાહ અંતર્ગત ગુનો નોંધાતા જુનવાણી રીતરિવાજ મુજબ બાળ વિવાહ કરતા તત્વો માં ફફડાટ વ્યાપી ગયો છે.
કોની કોની સામે ફરિયાદ નોંધાઇ
(૧) ઓડ રસિકલાલ મંગળદાસ (વર ના પિતા )
(૨) ઓડ ગીતાબેન રસિકલાલ ( વરના માતા )
(૩) રવીકુમાર રસિકલાલ (વર) તમામ રહે. સમી જિલ્લો પાટણ
(૪) ઓડ વિષ્ણુભાઈ મંછાભાઈ ( બાળકી ના પિતા )
(૫) ઓડ મધુબેન મંછાભાઈ ( બાળકી ની દાદી )
બન્ને રહે. જલોત્રા તા. વડગામ જી.બનાસકાંઠા