
પાલનપુરમાં રૂા.૧૪.૫૦ લાખની વીજ ચોરી કરતા ૧૬ શખ્સો સામે ફરિયાદ
પાલનપુરમાં ઉત્તર ગુજરાત વીજ કંપની એ સપાટો બોલાવતા વીજ ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં પાલનપુરના રેલ્વે સ્ટેશન રોડ વિસ્તારમાં વીજ મીટર સાથે ચેડાં કરી વીજ ચોરી થતી પ્રકાશમાં આવ્યું હતું. ત્યારે વીજ કંપનીને રૂ.૧૪.૫૦ લાખનું નુકસાન કરવા બદલ ૧૬ લોકો સામે પોલીસ ફરિયાદ થતા ચકચાર મચી જવા પામી છે. ઉત્તર ગુજરાત વીજ કંપનીના પાલનપુર પેટા વિભાગની કચેરી જામપુરા, ઢુંઢિયાવાડી ખાતે ફરજ બજાવતા નાયબ ઇજનેર કિરણકુમાર નારાયણ ભાઈ પટેલએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, વીજ ગ્રાહકોની ચેકિંગની કાર્યવાહી દરમિયાન, પાલનપુર રેલવે સ્ટેશન રોડ વિસ્તારમાં ૧ જૂન ૨૦૨૩ થી ૨૫ ઓગસ્ટ ૨૦૨૩ સુધી વીજ ગ્રાહકોના વીજ મીટરનું ચેકિંગ હાથ ધરાયું હતું. જે દરમિયાન પેટી પર લગાવેલું સીલ તોડી અંદર વીજ મીટરની બોડી સાથે ચેડાં કરી વીજ મીટરની ઇલેક્ટ્રોનિક્સ સર્કિટમાં ચેડાં કરી વીજ પાવરનો વપરાશ વીજમીટરમાં નોંધાતો અટકાવી વીજ ચોરી કરતા મીટર ચકાસણી દરમિયાન પકડાયા હતા.
જે શખ્સોએ તેમના કબજાના વીજ મીટરમાં અંદરથી વાયર કાપી અંદર વધારાનું ઉપકરણ લગાવી વીજ મીટર સાથે ચેડાં કરી ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડની સંપત્તિને નુકસાન કર્યું હોવાનું જણાઇ આવ્યું હતું. જોકે, આ વીજ ચોરી એક જ પદ્ધતિથી કરવામાં આવી હોવાનું ધ્યાને આવ્યું હતું. જે બાબતે વીજકંપનીની ટીમે તપાસ કરતાં વીજમીટર સાથે ચેડાં કરવામાં આવ્યા હતા. તે કોઈ ટેકનિકલ એક્સપર્ટ અને ઇલેક્ટ્રોનિક સર્કિટનો જાણકાર હોય તેવા શખ્સ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હોવાનું જણાતા વીજ કંપનીના લગાવેલા વીજ મીટરની પેટીનું સીલ તોડી અંદર સર્કિટ સાથે છેડછાડ કોણે કરી આપી તે બાબતે વીજ ગ્રાહકોના કબજેદારોને પૂછપરછ કરતા તેઓ દ્વારા સ્ટેમ્પ પેપર પર સોગંદનામાં કરી “હરેશ” નામના વ્યક્તિએ વીજમીટર માં ચેડાં કરી કાયમી વિજ ચોરી થાય તેવી વ્યવસ્થા કરી આપી હોવાનું જણાવ્યું હતું. જેમાં આ હરેશ નામના વ્યક્તિએ તંત્ર અંગે બેદરકારી ભર્યું આચરણ કરી વીજ ચોરી કરી યુજીવીસીએલ કંપની સાથે વિશ્વાસઘાત કર્યું હોવાનું જણાયુ હતું. જેના કારણે વીજ કંપનીને રૂપિયા ૧૪,૫૦, ૧૧૩ નું નુકસાન પહોંચાડી હોવા બાબતે પાલનપુર પોલીસ મથકે ૧૬ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.