
પાલનપુર તાલુકાના હસનપુર ગામના ખેતરમાં ચંદનના ઝાડ કાપી નાખતા ફરિયાદ
પાલનપુર નજીક આવેલા માલણના હસનપુર ગામના એક ખેતરમાં કેટલાક અજાણ્યા શખ્સોએ ચંદનના ઝાડ કાપી નાખ્યા હતા. જેમાં એક ઝાડ નીચે પડતા અવાજ થયો હતો. જેથી ખેતર માલિક જાગી જતાં અજાણ્યા શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જે બાબતે પોલીસ મથકે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ હતી. પાલનપુર નજીક આવેલા માલણના હસનપુર ગામમાં આવેલા દેવજીભાઈ ચેલાભાઈ વેડચિયા (ઠાકોર )ના ખેતરમાં ચંદનના વૃક્ષો વાવેલા છે. જેમાં મોડી રાત્રે આશરે એક વાગે અચાનક ઝાડ પડવાનો અવાજ આવ્યો હતો. જેથી દેવજીભાઈ ના માતા જાગી ગયા હતા અને તેમને દેવજીભાઈ ને જાણ કરી હતી. જેથી ખેતરમાં જઈને જાેયું તો ૧૮ વર્ષ જૂના ચંદનનું એક વૃક્ષ કાપેલી હાલતમાં ખેતરમાં પડ્યું હતું. જ્યારે અન્ય બે વૃક્ષોને પણ કાપવાનો પ્રયાસ કર્યો હતો. જેથી તેમણે ખેતરમાં જઇ જાેયું તો ચાર થી પાંચ શખ્સો ઈકો ગાડી લઈ ભાગતા નજરે પડ્યા હતા. પરંતુ અંધારામાં ગાડીનો નંબર જાેઈ શકાયો ન હતો. જે બાબતે દેવજીભાઈએ આશરે રૂ.૩ લાખનું નુકસાન થયુ હોવા બાબતે પોલીસ મથકે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી. જાેકે, આ અગાઉ પણ નજીકના જ એક ગામમાં ચંદનના વૃક્ષની ચોરી થઈ હોવાનું દેવજીભાઈએ જણાવ્યું હતું. પરંતુ આ બાબતે કોઈ જ પોલીસ ફરિયાદ નોંધાઇ ન હોવાનું જાણવા મળ્યું હતું.