
અંબાજીમાં ત્રણ દિવસ સુધી સફાઇનું મહાઅભિયાન :૩૦૦ જેટલાં તલાટીઓ સફાઇ અભિયાનમાં જોડાયા
આગામી તા. ૩૦ ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અંબાજી ખાતે આદ્યશક્તિપીઠ મા અંબાના દર્શનાર્થે પધારનાર છે. તેમના આગમનને લઇ બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મા અંબાના ધામમાં વડાપ્રધાનના આગમનને અનુલક્ષી બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અંબાજીમાં ત્રણ દિવસ સુધી સફાઇનું મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અંબાજીમાં સફાઇ માટે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેના સીધા માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. આવતીકાલથી વિવિધ સેવાભાવી સંસ્થાઓ પણ આ સ્વચ્છતા અભિયાનમાં જોડાઇને મા અંબા ના ધામની સ્વચ્છતા અને પવિત્રતતા જળવાય તે માટે સફાઇ કરશે.
આ સફાઇ અભિયાન અંતર્ગત આજે યાત્રાધામ અંબાજીમાં પાલનપુર, વડગામ, દાંતા અને અમીરગઢ તાલુકાના ૩૦૦ જેટલાં તલાટી કમ મંત્રીઓ સફાઇ અભિયાનમાં જોડાયા હતા. સમગ્ર અંબાજી અને અંબાજીના વિવિધ રસ્તાઓ ઉપરના ડિવાઇડરમાં પણ ક્યાંય કચરો કે ગંદકી ન દેખાય તે માટે કચરો વીણીને અંબાજી સ્વચ્છ, સુંદર બને તે માટે ચોક્કસાઇપૂર્વક સફાઇ કરવામાં આવી હતી.અત્રે ઉલલ્લેખનીય છે કે, આપણા રાષ્ટ્રને સ્વચ્છ બનાવવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આહવાન કરીને ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા પણ બે મહિના સુધી સમગ્ર રાજ્યમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશો હેઠળ રાજ્યભરમાં સ્વચ્છતા હી સેવાના વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જેમાં લોકો પણ સ્વયંભૂ જોડાઈને શ્રમદાન કરી રહ્યા છે.